સિંદૂર કે તેને લગાવનાર બચી શકશે નહીં: બીજેપીના રાણા દંપતીને પાકિસ્તાનથી મળી ધમકી

13 May, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતની સેનાએ આ અંગે પાકિસ્તાન અને પીઓકેના અનેક આતંકવાદી કૅમ્પને નષ્ટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતની આ કાર્યવાહી બાદ દેશમાં અનેક રાજકારણીઓ સહિત ઍરપોર્ટ અને મંદિરોને પણ બૉમ્બની ધમકીઓ આપવામાં આવી હતી. જેને પગલે પ્રશાસને સુરક્ષા કડક કરી દીધી છે.

રવિ રાણા અને નવનીત રાણા (તસવીર: મિડ-ડે)

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા અને ભૂતપૂર્વ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણાને પાકિસ્તાનથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. તેમણે આ મામલે ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસને ધમકીભર્યા ફોન વિશે જાણ કરી છે. રાણાના પીએએ મીડિયા સાથે વાત કરતાં પુષ્ટિ કરી છે કે બન્નેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે અને તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

શું છે મામલો

અહેવાલો અનુસાર, પાકિસ્તાનથી ફોન કરનારે કહ્યું, “અમારી પાસે તમારી બધી માહિતી છે. તમે એક હિન્દુ સિંહણ છો. તમે ફક્ત થોડા દિવસો માટે મહેમાન છો. અમે તમને મારી નાખીશું. સિંદૂર કે તેને લગાવનાર બચી શકશે નહીં.” આ ધમકીએ રાણાની સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરી છે. તેમના પતિ અને ધારાસભ્ય રવિ રાણાના મોબાઇલ ફોન પર પણ આવા જ ધમકીભર્યા ફોન આવ્યા હોવાની માહિતી તેમણે આપી હતી.

હાલમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના તણાવ વધારે છે. આ સંદર્ભમાં, ભાજપ નેતા નવનીત રાણાને મળેલા ધમકીભર્યા ફોનથી ચિંતાનો વિષય બન્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે, અને આ ધમકી આંતરરાષ્ટ્રીય સ્તરેથી આવી હોવાથી, મુંબઈ પોલીસને કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવાની જરૂર પડી શકે છે. ગયા વર્ષે પણ નવનીત રાણાને પાકિસ્તાનથી આવી જ ધમકી મળી હતી. તેના વૉટ્સઍપ નંબર પર એક ધમકીભરી ક્લિપ મોકલવામાં આવી હતી, જેમાં તેની હત્યાની ચેતવણી આપવામાં આવી હતી.

ભારત દ્વારા પાકિસ્તાન અને તેના દ્વારા ચલાવવામાં આવતા આતંકવાદી હુમલાને પગલે ‘ઓપરેશન સિંદૂર’ નામની કાર્યવાહી કરી હતી. ભારતની સેનાએ આ અંગે પાકિસ્તાન અને પીઓકેના અનેક આતંકવાદી કૅમ્પને નષ્ટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતની આ કાર્યવાહી બાદ દેશમાં અનેક રાજકારણીઓ સહિત ઍરપોર્ટ અને મંદિરોને પણ બૉમ્બની ધમકીઓ આપવામાં આવી હતી. જેને પગલે પ્રશાસને સુરક્ષા કડક કરી દીધી છે.

ભારત-પાકિસ્તાન વચ્ચેના તનાવ દરમ્યાન IPL ટીમના હોમ ગ્રાઉન્ડને ધમકીભરી ઈ-મેઇલ મળી હતી. ગુજરાત ટાઇટન્સના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (અમદાવાદ) અને રાજસ્થાન રૉયલ્સના સવાઈ માનસિંહ સ્ટેડિયમ (જયપુર)ને આ પ્રકારની ધમકી મળ્યા બાદ વધુ બે વેન્યુને ચોંકાવનારી ઈ-મેઇલ મળી છે. દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશન (DDCA)ને અરુણ જેટલી સ્ટેડિયમમાં બૉમ્બ વિસ્ફોટ કરવાની ચેતવણી આપતી એક અનામી ઈ-મેઇલ મળી હતી. દિલ્હી કૅપિટલ્સના આ હોમ ગ્રાઉન્ડમાં બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ સહિત સુરક્ષા દળોને તહેનાત કરીને તપાસ કર્યા બાદ આ ધમકીને અફવા જાહેર કરવામાં આવી હતી. ચેન્નઈ સુપર કિંગ્સના ગઢ ચેપૉક સ્ટેડિયમમાં ક્રિકેટ ઇવેન્ટ્સનું આયોજન ન કરવા સામે અધિકારીઓને ધમકીભરી ઈ-મેઇલ મળી હતી, જેને કારણે સુરક્ષા કડક કરવામાં આવી છે અને તપાસ કરવામાં આવી હતી.

operation sindoor Navneet Rana pakistan jihad bharatiya janata party mumbai news