25 August, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભિવંડીમાં ટ્રાફિક જૅમનો વિરોધ કરવા રસ્તા પર ઊતરેલા સ્થાનિક રહેવાસીઓ અને ટ્રાન્સપોર્ટરો.
ભિવંડીના ખાડાવાળા કથળેલા રસ્તાઓને લીધે કલાકો સુધી ટ્રાફિક જૅમ રહે છે. આનાથી ત્રાસેલા અને કંટાળેલા સેંકડો સ્થાનિક રહેવાસીઓ તથા ટ્રાન્સપોર્ટરો ગઈ કાલે સવારે ભિવંડી મહાનગરપાલિકાના વિરોધમાં ભિવંડીના અંજુરફાટા પાસે આવેલી મરાઠા પંજાબ હોટેલ નજીક ‘અમને ટ્રાફિકના ત્રાસમાંથી મુક્ત કરો’ એવી માગણી સાથે રોડ પર ઊતર્યા હતા. તેમનું આંદોલન શાંતિપૂર્વક હોવા છતાં ચારે બાજુના રસ્તાઓ પર વાહનવ્યવહાર ચોક-અપ થઈ ગયો હતો. એને લીધે પોલીસે વહેલી તકે તેમની માગણીઓ પર ઍક્શન લેવાનું આશ્વાસન આપીને આંદોલનકારીઓને સમજાવટથી હટાવી દીધા હતા. ભિવંડીમાં આ અગાઉ પણ અનેક વાર નવા રસ્તા બનાવવાની માગણી સાથે રસ્તારોકો આંદોલન થયું હોવા છતાં સરકાર અને પ્રશાસન આ મુદ્દે સદંતર નિષ્ફળ ગયાં છે.
આ બાબતની માહિતી આપતાં ગઈ કાલે આંદોલનમાં ભાગ લઈ રહેલા ટ્રાન્સપોર્ટરોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભિવંડી દેશનું સૌથી મોટું બિઝનેસ હબ છે. અહીં ફક્ત દેશના જ નહીં, વિદેશથી પણ વેપારીઓ ખરીદી કરવા આવે છે. જોકે ખાડાવાળા અને કથળેલા રસ્તાઓને કારણે અહીં કલાકો સુધી ટ્રાફિક જૅમ રહે છે. ભિવંડીના માનકોલીથી થાણે પહોંચતાં ૩ કલાક લાગી જાય છે. ક્યારેક તો અમારા ટ્રાન્સપોર્ટરો મુંબઈથી થાણે સુધી આવીને રિટર્ન થઈ જાય છે. એનાથી વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો, રિક્ષાવાળાઓ અને સ્થાનિક રહેવાસીઓ ત્રાસી ગયા છે. પ્રશાસન મોટા-મોટા હાઇવે બનાવી રહ્યું છે, પણ માનકોલીથી ભિવંડીથી અંજુરફાટા સુધીનો રોડ બનાવવામાં અસમર્થ રહ્યું છે અને ભિવંડીના રસ્તાઓ બનાવવા સામે આંખ આડા કાન કરી રહ્યું છે. રસ્તાઓ પર ટ્રાફિક જૅમની સમસ્યાને કારણે અમારા પેટ્રોલ-ડીઝલના ખર્ચા પોસાતા નથી.’
બહારગામથી આવતા વેપારીઓ ભિવંડીમાં આવવા તૈયાર નથી એટલે અહીંના વેપારીઓ બહુ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એમ જણાવીને ભિવંડીના પાવરલૂમના વેપારી ભાવિન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કથળેલા રસ્તાઓ અને ટ્રાફિક જૅમની સમસ્યાને લીધે ઇમર્જન્સીમાં ફાયર-બ્રિગેડ અને ઍમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે સમયસર પહોંચી શકતાં નથી. આમ છતાં સરકાર અને પ્રશાસન અહીંની સમસ્યાઓ તરફ દુર્લક્ષ કરી રહ્યાં છે જે અત્યંત દુખજનક છે.’
ભિવંડીના ખાડાવાળા રસ્તાઓને કારણે ૨૪ કલાક ટ્રાફિક રહે છે અને એને કારણે સ્કૂલનાં બાળકો બુધવારે અને ગુરુવારે ટ્રાફિકમાં હાલાકીનો ભોગ બન્યાં હતાં એમ જણાવીને ભાવિન શાહે કહ્યું હતું કે ‘ભિવંડીના રાનાલ અને આસપાસનાં ગામોનાં બાળકો ભિવંડીમાં સ્કૂલ-બસમાં આવે છે. આ બન્ને દિવસોમાં આ બાળકોને સ્કૂલથી તેમના ૪ કિલોમીટર દૂર આવેલા ઘરે પહોંચતાં ૬ કલાક થયા હતા. આ પરિસ્થિતિમાં છોકરાઓની કેવી કફોડી હાલત થઈ હશે એ સામાન્ય માનવી સમજી શકે છે. એને કારણે તેમનાં માતા-પિતા આક્રોશમાં આવી ગયાં હતાં, પરંતુ પ્રશાસન પર એની કોઈ અસર થતી નથી.’
શુક્રવારના કપરા અનુભવની માહિતી આપતાં ભાવિન શાહે કહ્યું હતું કે ‘સામાન્ય દિવસોમાં અમારા ટ્રાન્સપોર્ટરોને ગોડાઉનમાંથી કારખાના સુધી માલ પહોંચાડતાં ૩ કલાક થાય છે, પરંતુ શુક્રવારે ટ્રાફિક જૅમને કારણે સવારના ૯ વાગ્યે નીકળેલી ટ્રકો અને ટેમ્પો છેક રાતના ૯ વાગ્યે કારખાના પર પહોંચ્યાં હતાં. એમને માલ ઉતારવામાં મોડી રાત થઈ હતી.’