27 April, 2025 12:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પહલગામમાં અત્યંત ક્રૂરતાથી પાકિસ્તાની આતંકવાદીઓએ હિન્દુ ટૂરિસ્ટોની હત્યા કરી એના વિરોધમાં આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધમાં તમામ દેશપ્રેમી અને ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોને ભારતના હિતમાં સ્વેચ્છાએ બંધમાં સહયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. બંધમાં મેડિકલ સ્ટોર અને દૂધની ડેરીને બાકાત રાખવામાં આવ્યાં છે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ભાઈંદર જિલ્લાના મંત્રી લાલજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિશ્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના કરી છે. આ પરિષદ દ્વારા પહલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં બંધની હાકલ કરવામાં આવી છે. સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. ત્યાર બાદ ભાઈંદર-ઈસ્ટના ગોડદેવ નાકા ખાતે હુમલામાં જીવ ગુમાવનારાઓ માટે શ્રદ્ધાંજલિ સભા થશે.’