સમકાલીન ભારતીય સાહિત્યની મહેફિલના બીજા દિવસે ગુલઝારની અભિવંદના ઉપરાંત બીજું ઘણું બધું

29 March, 2024 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહેફિલમાં આજે શું થવાનું છે એ તમે ગઈ કાલના ‘મિડ-ડે’માં વાંચ્યું, ત્રીજા દિવસે શું થશે એની વિગતો આવતી કાલે. 

ગુલઝાર

સમકાલીન ભારતીય સાહિત્યના આચમન, આસ્વાદ અને વિમર્શની ત્રણ દિવસની મહેફિલના બીજા દિવસે, ૩૦ માર્ચે કાર્યક્રમો ભારતીય વિદ્યાભવનના અંધેરી પરિસરમાં એસ.પી.જે.આઇ.એમ.આર. ઑડિટોરિયમમાં યોજાશે. ફાર્બસ ગુજરાતી સભા ‘વ્યાપન પ્રકલ્પ’ દ્વારા થઈ રહેલા આ આયોજનમાં શનિવારે સવારે ૧૦થી ૧૧.૩૦ વાગ્યા સુધી ઉદ્‍ઘાટન બેઠક યોજાશે જેનું શીર્ષક છે ‘ભાવકશક્તિનાં મૂળિયાં લીલાં રાખીએ’. આ બેઠકમાં ગુલઝાર, પ્રતિભા રાય, માધવ કૌશિક, અરુણ કમલ, ચંદ્રકાન્ત પાટીલ, વસંત ડહાકે જેવા અતિથિઓની અભિવંદના કરવામાં આવશે. ફાર્બસ ગુજરાતી સભાના ભૂતપૂર્વ પ્રમુખ બળવંત પારેખની જન્મશતાબ્દી નિમિત્તે પરિવારજનો તેમની સ્મૃતિવંદના કરશે અને સ્વાગતવચન સિતાંશુ યશશ્ચંદ્રનું હશે. ઉદય મઝુમદારના સ્વરમાં ત્રણ ગીતો સાંભળવા મળશે તથા માધવ કૌશિક ‘સચ લિખના આસાન નહીં’ વિષય પર હિન્દીમાં વક્તવ્ય આપશે.

૧૨.૩૦થી બે વાગ્યાના ભોજનવિશ્રામ બાદ દોઢ કલાકની બહુભાષી ગોળમેજી સંગોષ્ઠિ યોજાશે જેનો વિષય હશે ‘સાહિત્ય અને વિવિધ સત્તાઓ ઃ ના કાહૂ સે દોસ્તી ના કાહૂ સે બૈર’. બિપીન પટેલના અધ્યક્ષસ્થાને થનારી આ સંગોષ્ઠિમાં ભાગ લેશે પ્રબોધ પરીખ, કમલ વોરા, હેમંત શાહ, સૌમ્ય જોશી, રણજિત હોસકોટે, ચંદ્રકાન્ત પાટીલ, વસંત ડહાકે. બપોરે સાડાત્રણથી સાડાપાંચ સુધી પ્રબોધ પરીખના સંચાલનમાં ગુજરાતી કાવ્યપાઠ થશે જેમાં ભાગ લેશે દિલીપ ઝવેરી, અનિલ જોશી, ઉદયન ઠક્કર, યોગેશ જોશી, જવાહર બક્ષી, સંસ્કૃતિરાણી દેસાઈ, પ્રદીપ સંઘવી, સૌમ્ય જોશી, મુકેશ વૈદ્ય, વસંત જોષી, પીયૂષ ઠક્કર, ઇન્દુ જોશી, હેમંત શાહ, નિખિલ મોરી.

સાંજે ૬ વાગ્યાથી સાડાસાત વાગ્યા સુધી વિખ્યાત ચિત્રકાર અતુલ ડોડિયા ‘મારી ચિત્રકળા : કેટલાક પડાવ, કેટલાક પડકાર’ વિશે બોલશે.
ભોજનની પેઇડ વ્યવસ્થા માટે ફાર્બસ ગુજરાતી સભાના રાજેશ દોશીનો ૮૩૬૯૭ ૯૫૭૯૩ નંબર પર સંપર્ક કરી શકાય.
મહેફિલમાં આજે શું થવાનું છે એ તમે ગઈ કાલના ‘મિડ-ડે’માં વાંચ્યું, ત્રીજા દિવસે શું થશે એની વિગતો આવતી કાલે. 

mumbai news gulzar things to do in mumbai