18 June, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI અને વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)
દેશભરમાં પરંપરાગત પોશાક અને વેશ ધારણ કરનાર તેમ જ સંસ્કૃતિનું જતન કરનાર લોકો સાથે થતાં ભેદભાવની ઘટનાઓ વધી રહી છે. દેશના અનેક મોટા શહેરોના મૉલ્સ હોય કે પછી સ્ટોસ સાડી, ધોતી કુર્તા કે કપાળે ચાંદલો કરનાર લોકોને એન્ટ્રી આપવામાં નથી આવી, એવા અનેક કિસ્સો બન્યા છે. તાજેતરમાં મુંબઈના ભાંડુપ વિસ્તારમાંથી એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાને લઈને હવે હોબાળો શરૂ થયો છે.
મુંબઈના ભાંડુપ પશ્ચિમ વિસ્તારમાં આવેલા ટાટાના ક્રોમા સ્ટોરમાં 7 જૂને ઈદ અલ-અધા (બકરી ઈદ) ના દિવસે એક કર્મચારીને કથિત રીતે તેનું `તિલક` ભૂંસવા માટે કહેવામાં આવ્યું હતું, જેના કારણે વિવાદ ફેલાયો છે. આ ઘટનાનો વીડિયો મંગળવારે સામે આવ્યો હતો. સોશિયલ મીડિયા રિપોર્ટ્સ મુજબ, જીતેશ શર્મા તરીકે ઓળખાતા યુવકને તેના સિનિયરે તેના માથા પરનું તિલક ભૂંસવા કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ક્રોમાના વરિષ્ઠ કર્મચારી, રાશિદે પણ તેના જુનિયર કર્મચારી શર્માને સ્ટોર છોડી દેવાનું કહ્યું હતું. આ ઘટનાની ફરિયાદ મળતા કેટલાક હિન્દુ કાર્યકરો સ્ટોરમાં પહોંચી ગયા અને તેમણે આ મામલે જવાબ પૂછ્યો અને આ કથિત ઘટના અંગે સ્ટોર મેનેજરને ધમકી આપી. તેમણે રાશિદને શર્માની માફી માગવા કહ્યું. સ્ટોર સ્ટાફ અને જમણેરી કાર્યકરો વચ્ચે ઉગ્ર દલીલનો વીડિયો @TheTreeni નામના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા શૅર કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ સ્ટોર મેનેજરને સ્ટોરના સિનિયર કર્મચારીને તેના વર્તન માટે ચેતવણી પત્ર જાહેર કરવા પણ કહ્યું.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ: અહીં જુઓ
વીડિયોમાં, કાર્યકરો સ્ટોર મેનેજરને કહેતા સાંભળી શકાય છે કે તેણે ખાતરી કરવી જોઈએ કે આવી ઘટનાઓ ફરીથી ન બને અને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવી રાખવામાં આવે. નેટીઝન્સે રાશિદના જુનિયર કર્મચારીને તિલકને દૂર કરવા કહેવા બદલના વર્તનની પણ ટીકા કરી. "આ કયું સ્ટોર છે? આ ભારત છે. કોઈ મધ્ય પૂર્વ (ખાડી) દેશ નથી. તિલકને દૂર કરવાનું કહેવાની હિંમત પણ કેવી રીતે થઈ? આ સ્ટોરવાળાને સજા આપો," એક X યુઝરે ટિપ્પણી કરી. "આ વ્યક્તિ પર શું કાર્યવાહી કરવામાં આવી છે? આ શરમજનક અને અસ્વીકાર્ય છે," બીજા યુઝરે લખ્યું. અત્યાર સુધી, શર્માએ આ ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી.
આ ઘટનાનો વીડિયો હવે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેથી હવે શું તે ક્રોમાના માલિક ટાટા અને પ્રશાસન સુધી પહોંચશે? અને સિનિયરના કર્મચારીની ધાર્મિક ભાવનાને દુઃખાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવશે, તેવો સવાલ નેટિઝન્સ પૂછી રહ્યા છે અને આ મામલે કાર્યવાહી કરવાની માગણી કરી અનેક એકાઉન્ટને ટેગ પણ કરી રહ્યા છે.