બેસ્ટ સામે મેદાને પડવા કર્મચારીઓ આજે આઝાદ મેદાનમાં

17 February, 2021 10:02 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

બેસ્ટ સામે મેદાને પડવા કર્મચારીઓ આજે આઝાદ મેદાનમાં

ફાઇવ ગાર્ડન્સ નજીક બેસ્ટની બસમાં પ્રવાસ કરી રહેલા મુસાફરો

બેસ્ટના કર્મચારીઓને અન્ડરટેકિંગના બજેટના બીએમસી બજેટમાં વિલીનીકરણના મુદ્દે ભાયખલાથી મંત્રાલય સુધી રૅલી કાઢવાની પરવાનગી ન અપાતાં હવે વર્કર્સે તેમની માગણીઓ રજૂ કરવા માટે આજે આઝાદ મેદાનમાં એકઠા થવાનું નક્કી કર્યું છે.

બેસ્ટ વર્કર્સ જૉઇન્ટ ઍક્શન કમિટીના કન્વીનર શશાંક શરદ રાવે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘બેસ્ટના બજેટને બીએમસીના બજેટ સાથે વિલીન કરવું એ અન્ડરટેકિંગની નાણાકીય સમસ્યાનો અંત લાવવા સમાન છે. અમે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને આવેદનપત્ર સુપરત કરીશું. વાસ્તવમાં શિવસેનાએ તેમના ચૂંટણી ઢંઢેરામાં આ વિલીનીકરણનું વચન આપ્યું હતું, પણ તેઓ આ વિશે ભૂલી ગયા હોય એવું લાગે છે.’

લોકલ ટ્રેનોની ગેરહાજરીમાં બેસ્ટ શહેરની ધોરીનસ તરીકે કામ કરી રહી છે અને સેવાઓ એક દિવસ સુધ્ધાં બંધ નહોતી રહી. એના વર્કર્સે જીવના જોખમે ફરજ બજાવી છે ત્યારે બીએમસી બજેટે જે કર્યું એ અન્યાયી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ‘અમે ભાયખલા ઝૂથી મંત્રાલય સુધી રૅલી કાઢવાનું આયોજન કર્યું હતું, પણ સરકારે પરવાનગી ન આપતાં હવે અમે કાર્યવાહીની માગણી સાથે બુધવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આઝાદ મેદાન ખાતે એકઠા થઈશું. તેમણે અમને વિલીનીકરણનું વચન આપ્યું હતું અને અમે ઇચ્છીએ છીએ કે તેઓ વચન પૂરું કરે. એનાથી અન્ડરટેકિંગ અને તેના કર્મચારીઓ સમસ્યામાંથી ઊગરી જશે.’

mumbai mumbai news brihanmumbai electricity supply and transport azad maidan rajendra aklekar