26 February, 2025 01:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિવંગત સરપંચ સંતોષ દેશમુખના ફોટા પાસે બેસેલો તેમનો લાડકો શ્વાન રાજુ.
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આવેલા મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખનું અપહરણ કરીને હત્યા કરવાનો મામલો રાજકીય રીતે અઢી મહિનાથી ચર્ચામાં છે. હત્યાના ૭૭ દિવસ બાદ પણ મુખ્ય આરોપી કૃષ્ણા આંધળે ફરાર છે એટલે તેની ધરપકડની માગણી કરવામાં આવી રહી છે ત્યારે સરપંચ સંતોષ દેશમુખના પાળેલા શ્વાનના સમાચાર વાઇરલ થયા છે.
દિવંગત સરપંચ સંતોષ દેશમુખે પાળેલા શ્વાનનું નામ રાજુ છે. ગામવાસીઓના કહેવા મુજબ રાજુ સંતોષ દેશમુખનો લાડકો શ્વાન છે. સંતોષ દેશમુખની હત્યાને ૭૭ દિવસ થયા છે અને તેના ઘરની બહાર મંડપમાં ફોટો મૂકવામાં આવ્યો છે. અહીં સરપંચને ન્યાય આપવા માટેનું આંદોલન કરવામાં આવી રહ્યું છે. આટલા દિવસથી રાજુ મંડપ અને સંતોષ દેશમુખના ઘરના દરવાજા પાસેથી ખસતો નથી. શ્વાનના માલિક પ્રત્યેના આવા પ્રેમથી લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે.
સંતોષ દેશમુખના ભાઈ ધનંજય દેશમુખને આ શ્વાન વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘સંતોષભાઈને રાજુ પર ખૂબ લાગણી હતી. ૭૭ દિવસથી પોતાના માલિકને જોયા નથી એટલે રાજુ તેમની રાહ જોઈને મંડપમાં ફોટા પાસે અને ઘરના દરવાજે આવીને બેસી રહે છે. પોતાના માલિક આવશે એવી આશામાં રાજુ આવું કરી રહ્યો હોવાનું કહી શકાય. આપણે માણસ છીએ એટલે એકબીજા સાથે વાત કરી શકીએ, પણ રાજુને કેવી રીતે કહીશું કે તેના માલિક હવે આ દુનિયામાં નથી.’