બૅન્ક લોન ફ્રૉડ કેસ : વિડિયોકોનના વેણુગોપાલ ધૂતના જામીન મંજૂર

21 January, 2023 08:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બેન્ચે એના આદેશ પર સ્ટે મૂકવાની સીબીઆઇની વિનંતી ફગાવી દીધી હતી

વેણુગોપાલ ધૂત

મુંબઈ (પી.ટી.આઇ.) : બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે વિડિયોકોન ગ્રુપના સ્થાપક વેણુગોપાલ ધૂતના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક-વિડિયોકોન લોન ફ્રૉડ કેસમાં સીબીઆઇ દ્વારા આશરે એક મહિના પહેલાં તેમની ધરપકડ કરાઈ હતી.

જસ્ટિસ રેવતી મોહિતે દેરે અને પી. કે. ચવાણની ડિવિઝન બેન્ચે એક લાખ રૂપિયાની શ્યૉરિટી પર તેમના જામીન મંજૂર કર્યા હતા. અદાલતે તેમને કૅશ બેઇલ તૈયાર કરવા અને બે અઠવાડિયાં પછી શ્યૉરિટીની રકમ જમા કરાવવાની છૂટ આપી હતી.

બેન્ચે એના આદેશ પર સ્ટે મૂકવાની સીબીઆઇની વિનંતી ફગાવી દીધી હતી. સાથે જ બેન્ચે આ મામલે દરમ્યાનગીરીની માગણી કરતી ઍડ્વોકેટની અરજી પણ ઠુકરાવી હતી. સમાન બેન્ચે કોચર દંપતીના જામીન મંજૂર કર્યા બાદ વેણુગોપાલ ધૂતે દસમી જાન્યુઆરીએ હાઈ કોર્ટનું શરણું લીધું હતું. તેમના વકીલ સંદીપ લઢ્ઢાએ દલીલ કરી હતી કે વેણુગોપાલ ધૂતે તપાસમાં સહકાર આપ્યો હતો એટલે તેમની ધરપકડ બિનજરૂરી હતી.

જોકે સીબીઆઇએ એનો વિરોધ કરતાં કહ્યું હતું કે વિડિયોકોન ગ્રુપના સ્થાપકે તપાસ ટાળવાનો પ્રયાસ કર્યો હોવાથી ધરપકડ કાયદેસર હતી.

mumbai mumbai news bombay high court