બાંદરાના માર્ગો પરથી ફેરિયાઓ દૂર થતાં સ્થાનિક લોકોને હાશકારો

04 August, 2022 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બુધવારે હિલ રોડ અને લિન્કિંગ રોડ પર એક પણ ફેરિયો જોવા મળ્યો નહોતો

પહેલાં ફેરિયાઓથી ધમધમતો રહેતો હિલ રોડ બુધવારે હૉકર્સના દૂષણથી મુક્ત જોવા મળ્યો હતો. (તસવીર : અતુલ કાંબળે)

બાંદરા-વેસ્ટમાં ગેરકાયદે ફેરિયાઓની સમસ્યા વર્ષોથી સળગી રહી છે ત્યારે આ મુદ્દે મંગળવારે બીએમસીના અધિકારીઓ, પોલીસ અને આ વિસ્તારના રહીશો વચ્ચે બેઠક યોજાયાના ગણતરીના કલાકોમાં જ રસ્તાઓ ફેરિયામુક્ત થઈ ગયા હતા. બુધવારે હિલ રોડ અને લિન્કિંગ રોડ પર એક પણ ફેરિયો જોવા મળ્યો નહોતો. માર્ગો પર પોલીસ અને બીએમસીની સ્ક્વૉડનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો. કૉર્પોરેશને જણાવ્યું હતું કે તમામ દુકાનો અને ખાનગી સંકુલોને નોટિસ આપીને ગેરકાયદે ફેરિયાઓને સહાય કરવાનું બંધ કરવાની તાકીદ કરવામાં આવશે. એચ-વેસ્ટ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર વિનાયક વિસ્પુતેએ જણાવ્યું હતું કે ‘પોલીસ અને અતિક્રમણ દૂર કરનારી અમારી ટીમની મદદથી અમે માર્ગો પર સતત દેખરેખ રાખીએ છીએ. જો પોલીસની અવિરત મદદ મળતી રહી તો રસ્તાઓ ફેરિયાઓના દૂષણથી મુક્ત રહેશે.’

mumbai mumbai news bandra hill road linking road