ભગતસિંહ કોશ્યારી વિરુદ્ધ ઉગ્ર બન્યો વિરોધ, આજે પુણેમાં બંધનું એલાન

13 December, 2022 11:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં મરાઠા સંગઠનો અને વિપક્ષી નેતાઓએ કોશ્યારીના નિવેદનની ઘોર નિંદા કરી હતી

ફાઇલ તસવીર

મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari) વિરુદ્ધ વિરોધ હવે વધી રહ્યો છે. કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP), શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), સંભાજી બ્રિગેડ અને અન્ય કેટલાક સંગઠનોએ મહારાષ્ટ્રના પુણેમાં આજે બંધ (Pune Bandh)નું આહ્વાન કર્યું છે. છત્રપતિ શિવાજી મહારાજ વિશે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના નિવેદનની નિંદા કરવા માટે બંધનું એલાન આપવામાં આવ્યું છે. સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે ફેડરેશન ઑફ ટ્રેડર્સ એસોસિએશન ઑફ પુણે (FATP)ના પ્રમુખ ફતેહચંદ રાંકાએ, આજના `બંધ`ને સમર્થન આપવાનો અને બપોરે 3 વાગ્યા સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

રાંકાએ જણાવ્યું હતું કે, "આ રાજકીય પક્ષોની અપીલ પછી, ફેડરેશનના તમામ સભ્યોની આંતરિક બેઠક યોજવામાં આવી હતી અને મંગળવારે બપોરે 3 વાગ્યા સુધી દુકાનો બંધ રાખીને બંધને સમર્થન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.” ઉલ્લેખનીય છે કે આવશ્યક સેવાઓ, પેટ્રોલ પંપ અને CNG પંપ આજે પણ ચાલુ રહેશે.

કોશ્યારીના નિવેદનની નિંદા

છત્રપતિ શિવાજી મહારાજ વિશે કોશ્યારીની આ ટિપ્પણી પણ રાજકીય પક્ષોએ ભારે હોબાળો શરૂ કર્યો હતો. મહારાષ્ટ્રમાં મરાઠા સંગઠનો અને વિપક્ષી નેતાઓએ કોશ્યારીના નિવેદનની ઘોર નિંદા કરી હતી. એનસીપી અને શિવસેનાનો ઠાકરે જૂથ પણ કોશ્યારી પર કાર્યવાહીની માગ કરી રહ્યો છે.

લોકસભામાં આ મુદ્દો ઉઠાવતા એનસીપીના સભ્ય અમોલ કોલ્હે અને શિવસેના (ઠાકરે જૂથ)ના નેતા વિનય રાઉતે કહ્યું કે શિવાજી મહાવરાજ વિશે અપમાનજનક વાતોને સાંખી લેવામાં આવશે નહીં. રાઉતે કહ્યું કે, "છત્રપતિ શિવાજી મહારાજનો માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં એક મહાન વ્યક્તિત્વ તરીકે આદર કરવામાં આવે છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે બંધારણીય હોદ્દા પર રહેલા લોકો છત્રપતિ શિવાજી મહારાજ વિશે વારંવાર અપમાનજનક વાતો કરી રહ્યા છે.”

આ પણ વાંચો: ચંદ્રકાન્ત પાટિલ પર ફેંકવામાં આવી શાહી, કેમ વિવાદોમાં સપડાયા શિંદેના મંત્રી?

કોશ્યારીએ અમિત શાહને પત્ર લખ્યો હતો

સમગ્ર ઘટના બાદ રાજ્યપાલ કોશ્યારીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખીને કહ્યું કે તેઓ છત્રપતિ શિવાજી મહારાજ જેવા પ્રતિમાનું અપમાન કરવાનું સ્વપ્ન પણ ન જોઈ શકે.

mumbai mumbai news pune pune news maharashtra