10 November, 2025 07:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૃત્યુ પામનાર કિશન પરમાર, આરોપી મનીષા અને લક્ષ્મણ
બદલાપુરમાં પ્રેમી લક્ષ્મણ ભોઈર સાથે મળીને પત્ની મનીષાએ ગળું દબાવી પતિ કિશન પરમારની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને ગાદલામાં વીંટાળીને નદીમાં ફેંકી દીધો હોવાની આંચકાજનક ઘટના બનતાં ચકચાર મચી ગઈ હતી. ૪૪ વર્ષનો કિશન પરમાર મૂળ કચ્છ મુંદ્રાનો હતો અને બદલાપુર-વેસ્ટના બોરાડપાડામાં આવેલા જગન્નાથ પૅરૅડાઇઝમાં પહેલા માળે રહેતા હતા. પત્ની અને તેના જ બિલ્ડિંગમાં બીજા માળે રહેતા પત્નીના પ્રેમી લક્ષ્મણથી ખતરો હોવાની માહિતી ૧૫ દિવસ પહેલાં કિશન પરમારે મુલુંડમાં રહેતા મોટા ભાઈને આપી હતી એટલું જ નહીં, તેણે બન્ને વિરુદ્ધ ફરિયાદ કરવા માટે એક વકીલ પાસે લેટર પણ તૈયાર કરાવડાવ્યો હતો જે સોમવારે બદલાપુર પોલીસ-સ્ટેશનમાં આપવાનો હતો. જોકે એ પહેલાં જ લક્ષ્મણ અને મનીષાએ તેની હત્યા કરી નાખી હતી. કિશનને પહેલાં ખાવામાં ઝેર આપીને બેભાન કર્યા બાદ રસ્સી વડે તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો આરોપ કિશનના ભાઈએ કર્યો છે. એ ઉપરાંત આ હત્યામાં માત્ર બે જણ નહીં, વધારે લોકો સામેલ હોવાનો દાવો પણ તેણે કર્યો છે.
ગુરુવારે રાતે હત્યા
બદલાપુર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કિશોર શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કિશનની હત્યા કરવાનો પ્લાન ૧૦ દિવસ પહેલાં જ થયો હતો. બદલાપુરમાં રસ્તા પર ભુર્જી-આમલેટનો સ્ટૉલ ચલાવતા લક્ષ્મણે ક્રાઇમ શોમાંથી હત્યા કઈ રીતે કરવી અને એમાંથી કઈ રીતે બચવું એની માહિતી મેળવી હતી એ મુજબ ગુરુવારે રાતે ૯ વાગ્યે કિશન ઘરે આવીને મનીષા અને તેમનાં ત્રણ બાળકો સાથે જમ્યો હતો, ત્યાર બાદ તે ઘરના મેઇન હૉલમાં સૂઈ ગયો હતો, જ્યારે મનીષા બાળકો સાથે બેડરૂમમાં સૂઈ ગઈ હતી. રાતે ૧૨ વાગ્યે મનીષાએ લક્ષ્મણને ઘરે બોલાવ્યો હતો એ સમયે અવાજ સાંભળતાં ૧૦ વર્ષની દીકરી રિદ્ધિ જાગી જતાં મનીષાએ તેને આંટો મારવા બિલ્ડિંગની નીચે મોકલી દીધી હતી. જ્યારે બીજાં બાળકો સૂતાં હતાં ત્યારે તેમને બેડરૂમમાં લૉક કરીને ઊંઘમાં જ કિશનનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું. જોકે એ વખતે કિશને પોતાના બચાવ માટેના પ્રયાસ કર્યા હતા, પણ લક્ષ્મણ તેની છાતી પર બેસી ગયો હતો અને મનીષાએ તેના બન્ને હાથ પકડી રાખ્યા હતા. બે કલાક રાહ જોયા બાદ ત્રણ વાગ્યે કિશન મરી ગયો છે એ કન્ફર્મ થતાં તે જે ગાદલા પર સૂતો હતો તેની સાથે લપેટીને મનીષા અને લક્ષ્મણ તેને નીચે લઈ આવ્યા હતા. ત્યાર બાદ લક્ષ્મણની બાઇક પર ગાદલા સાથે કિશનની ડેડ-બૉડી બાંધીને નદીમાં ફેંકી દીધી હતી. ત્યાંથી આવ્યા બાદ લક્ષ્મણ ઘરે ગયો હતો અને મનીષા ઘરે આવીને જાણે કશું થયું ન હોય એમ બાળકો સાથે સૂઈ ગઈ હતી.’
શંકા હતી કિશનને
મુલુંડ-વેસ્ટમાં રહેતા કિશનના મોટા ભાઈ નરેશ પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૂળ વડોદરામાં રહેતી મનીષા રાઠોડ સાથે કિશનનાં ૧૦ વર્ષ પહેલાં બીજાં લગ્ન થયાં હતાં. જોકે મનીષાનાં પણ એ બીજાં લગ્ન હતાં. પહેલાં લગ્નથી મનીષાને રિદ્ધિ નામની દીકરી હતી જે મનીષા અને કિશન સાથે રહેતી હતી. કિશનનાં લગ્ન બાદ તેને પણ એક દીકરો અને એક દીકરી હતી એમ ત્રણ બાળકો અને પત્ની સાથે કિશન બદલાપુરમાં રહેતો હતો. દિવાળી વખતે મમ્મીને પગે લાગવા કિશન મુલુંડના મારા ઘરે આવ્યો ત્યારે મમ્મી અને મારી સામે ખૂબ રડ્યો હતો. તેણે અમને મનીષા અને લક્ષ્મણ વિશેની માહિતી આપી હતી અને કહ્યું હતું કે લક્ષ્મણ અવારનવાર ઘરે આવે છે. તેણે થોડા સમયમાં મુલુંડ રહેવા આવવાની વાત કરી હતી, પણ મનીષાનો એ માટે વિરોધ હતો. મનીષા અને લક્ષ્મણ મારું કાંઈ પણ કરી શકે છે એમ કહી તેણે એક વકીલ પાસે બન્નેની ફરિયાદ કરતો એક પત્ર તૈયાર કરાવડાવ્યો હતો જે તેણે મને બતાવ્યો હતો. એ પત્ર સોમવારે તે બદલાપુર પોલીસ-સ્ટેશનમાં આપવાનો હતો.’
હત્યા પ્રૉપર્ટી માટે થઈ
નરેશ પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કિશનની વસઈ, ભાયખલા અને બદલાપુરમાં પ્રૉપર્ટી હતી જે તમામ કિશનના નામે હતી. એ ઉપરાંત તેની હત્યા થઈ એના એક દિવસ પહેલાં કિશને ઘરે કૅશ દોઢ લાખ રૂપિયા રાખ્યા હતા અને તેના બીજા ઘણા પૈસા બૅન્કમાં છે એની જાણ મનીષાને હતી. લક્ષ્મણની પત્ની તેને ૧૦ મહિના પહેલાં છોડીને ચાલી ગઈ છે ત્યારથી તે એકલો રહે છે. મનીષા અને લક્ષ્મણ બન્ને ઘરમાંથી ભાગી જાય તો બન્નેને કિશનની પ્રૉપર્ટીમાંથી એક પણ રૂપિયો ન મળે એટલે બન્નેએ કિશનને ખતમ કરી દેવાનો પ્લાન બનાવ્યો હોવાની માહિતી પોલીસે અમને આપી હતી.’