01 March, 2022 08:41 AM IST | Mumbai | Dev Kotak
ચર્ની રોડમાં આવેલા બાબુલનાથ મંદિરમાં તહેવાર દરમ્યાન વૉલન્ટિયર્સ તમામ વ્યવસ્થા સંભાળી લેતા હોય છે. જોકે આ વર્ષે તેમને વ્યવસ્થાનું કામ નથી સોંપાયું.
મહાશિવરાત્રિની ઉજવણીના થોડા દિવસ પહેલાં મુંબઈના સૌથી જૂના શિવમંદિર બાબુલનાથ મંદિરમાંથી ૩૫૦ જેટલા વૉલન્ટિયર્સને કાઢી મૂકવામાં આવ્યા છે.
સાઉથ મુંબઈમાં ખાણીપીણીના સ્ટૉલની માલિકી ધરાવતા અને બાબુલનાથ મંદિરના વૉલન્ટિયર સચિન શેટ્ટીએ કહ્યું હતું કે ‘અમે તહેવારોમાં તેમ જ શ્રાવણ મહિનામાં મંદિરમાં વ્યવસ્થા સંભાળીએ છીએ. અમે દુખી અને પરેશાન છીએ. મંદિરના ટ્રસ્ટ સહિત ક્યારેય કોઈની પાસે અમે પૈસાની માગણી કરી નથી. બધો ખર્ચ અમે અમારા ખિસામાંથી કરતા હતા. લગભગ ૨૫ વર્ષ પછી નવા ટ્રસ્ટી પ્રદીપ શ્રોફે અમને કહ્યું કે અમને તમારી જરૂર નથી. ક્યાં શું ખોટું થયું એની અમને ખબર નથી પડતી. કેમ કે તેઓ પહેલાં તો અમારી સાથે ખૂબ સારા હતા. તેઓ અમને માનતા હતા અને અમારા કામની પ્રશંસા પણ કરતા હતા.’
આ વર્ષે કોઈ તૈયારી નહીં
સચિન શેટ્ટીએ વધુમાં જણાવ્યું કે ‘અગાઉ મહાશિવરાત્રિના તહેવારની ઉજવણીની તૈયારીઓ બે મહિના પહેલાંથી શરૂ થઈ જતી હતી, પરંતુ આ વખતે કોઈ વ્યવસ્થા કે તૈયારી કરવામાં નથી આવી. આ વર્ષે અમને કહેવામાં આવ્યું કે પોલીસ અને ખાનગી સુરક્ષા-કર્મચારીઓ તમામ વ્યવસ્થા સંભાળી લેશે. તેઓ અમારી કોઈ વાત સાંભળવા નથી માગતા કે અમારી સાથે વાત પણ કરવા નથી માગતા. અમારામાંના કેટલાક વૉલન્ટિયર્સ ખૂબ રોષે ભરાયા છે, કેમ કે તેઓ પવિત્ર શ્રાવણ મહિનામાં અને મહાશિવરાત્રિએ પોતાની સેવા આપવા માટે ભાઈંદર, વલસાડ અને કેટલાક તો કચ્છથી અહીં આવે છે.’
છેલ્લા બે દસકાથી મંદિરની સેવા કરી રહેલા શૅરદલાલ અને સ્વયંસેવક સુનીલ શાહે કહ્યું કે ‘મહત્ત્વના દિવસોએ ભગવાનના મંદિરમાં સેવા આપવા લોકો જુદા-જુદા રાજ્યમાંથી આવતા હોય છે. અનેક વર્ષોની આકરી મહેનત, વફાદારી અને પ્રામાણિકતા પછી આવું ઓરમાયું વર્તન યોગ્ય નથી. આજ સુધી કોઈ ટ્રસ્ટી અમારા કામમાં સામેલ નથી થયા અને કોઈ પ્રકારની દખલગીરી પણ નથી કરી.’
તેમણે વધુમાં જણાવ્યું કે ‘આ વર્ષે ભીડને કાબૂમાં રાખવા માટે મુંબઈ પોલીસ તહેનાત કરવામાં આવી છે અને ખાનગી સિક્યૉરિટી એજન્સીને પણ રોકવામાં આવી છે. જો અમે હોત તો બહારથી માણસો લાવવાનો ખર્ચ બચી શક્યો હોત. ટ્રસ્ટી કહે છે કે આ નિર્ણય લેવામાં તેઓ સંકળાયેલા નથી, પણ અમે જાણીએ છીએ કે એ સાચું નથી.’
ટ્રસ્ટીઓ જવાબ નથી આપતા
બાબુલનાથ મંદિરના ટ્રસ્ટી પ્રદીપ શ્રોફે આ વિષયે પ્રશ્નોનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ‘આ નિર્ણય બોર્ડ ઑફ ટ્રસ્ટી અને ચૅરમૅન નીતિન ઠક્કરે લીધો છે એથી તેમને પ્રશ્ન પૂછવા જોઈએ. વૉલન્ટિયર્સ દ્વારા કરવામાં આવેલા આક્ષેપ સાચા નથી. આ એક સંયુક્તપણે લેવાયેલો નિર્ણય હતો.’