26 December, 2023 09:17 AM IST | Mumbai | Diwakar Sharma
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : રેલવેમાં લોકો પાઇલટ નશામાં હોવાના સમાચારે હાહાકાર મચાવ્યા બાદ હવે ઍરલાઇન્સમાં પાઇલટ નશામાં હોવાની માહિતીએ ચર્ચા જગાવી છે. ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)ના કોઈ પણ સજાપાત્ર નિયમના અભાવે ભારતમાં ઍરલાઇનના પાઇલટ્સ ઑન ડ્યુટી ડ્રિન્કિંગ કરી રહ્યા છે. આરટીઆઇ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે છેલ્લા ૧૧ મહિનામાં બ્રેથલાઇઝર વડે ઓછામાં ઓછા ૫૫ પાઇલટ્સની બ્લડ આલ્કોહૉલ ટેસ્ટ પૉઝિટિવ આવી છે.
મુસાફરો અને ક્રૂ મેમ્બરના જીવ પાઇલટના હાથમાં હોય છે અને જો તેઓ કૉકપિટમાં નશામાં હોય તો સેંકડો લોકોની સુરક્ષાનો સવાલ ઊભો થાય છે. સિવિલ એવિયેશન એક્સપર્ટનો આરોપ છે કે ડીજીસીએ જો ઍરલાઇનને પ્રેશર આપે જે પહેલાંથી જ ઓછા પાઇલટની પરિસ્થિતિનો સામનો કરી રહી છે અને નશાખોર પાઇલટને કાયમ માટે બૅન કરશે તો મોટી ખોટ વર્તાશે. એવિયેશન એક્સપર્ટ અને નિવૃત્ત પાઇલટ ઇન્સ્ટ્રક્ટર કૅપ્ટન મોહન રંગનાથને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે નશાખોર પાઇલટને વિદેશોમાં ક્રિમિનલ ચાર્જિસનો સામનો કરવો પડે છે, પણ ભારતમાં તેઓ કોઈ પણ કડક પગલામાંથી બચી જાય છે.
મહારાષ્ટ્રના અમરાવતીનો આરટીઆઇ ઍક્ટિવિસ્ટ અજય બોઝ જેણે બ્રેથલાઇઝર ટેસ્ટમાં પૉઝિટિવ પાઇલટની માહિતીની માગ કરી હતી તેણે કહ્યું હતું કે ‘મેં આમ જ વિચાર્યું કે ઑથોરિટી પાસે ઍરલાઇન પાઇલટની માહિતીની માગણી કરી જોઉં કે ટ્રેન ચલાવતા લોકો પાઇલટની પણ બ્રેથલાઇઝર ટેસ્ટ થઈ રહી છે કે કેમ? ખરેખર આરટીઆઇ તરફથી મળેલી માહિતી ચોંકાવનારી હતી. એમાં જાન્યુઆરીથી નવેમ્બર ૨૦૨૩ વચ્ચે ૫૫ પાઇલટ પૉઝિટિવ મળી આવ્યા હતા.’
અજય બોઝે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મેં તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી છે એ જાણવા માટે નવી દિલ્હીમાં ડીજીસીએ ઑફિસને ફોન કર્યો ત્યારે મને કહેવામાં આવ્યું કે તેમનાં લાઇસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ પાઇલટોએ મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હોવા છતાં તેમને માત્ર એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ માહિતી ચોંકાવનારી હતી.’
કેપ્ટન રંગનાથને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડીજીસીએ નિયમો બનાવે છે, પરંતુ જ્યાં સુધી બ્રેથલાઇઝરનો સંબંધ છે ત્યાં સુધી તેઓ એનો ક્યારેય અમલ કરતા નથી અને આવું વર્ષોથી છે. એવી ઘણી ઘટનાઓ બની છે જ્યારે ચીફ ફ્લાઇટ ઑપરેશન્સ, ઇન્સ્પેક્ટર અને અન્ય બ્રેથલાઇઝર નિષ્ફળ ગયા હતા. ડીજીસીએએ અન્ય દેશોની જેમ અવરોધક બનાવવું પડશે અને જો તમે ઍરક્રાફ્ટ ઉડાવવા માટે નશામાં આવો તો એને ફોજદારી ગુનો બનાવ્યો છે.
જ્યારે કહેવામાં આવ્યું કે નશામાં હોવા બદલ ૫૫ પાઇલટ્સનાં લાઇસન્સ માત્ર એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં? ત્યારે અધિકારીએ કહ્યું હતું કે મને યાદ નથી, પરંતુ પ્રથમ બ્રેથલાઇઝર પૉઝિટિવ કેસમાં પ્રી-ફ્લાઇટના કિસ્સામાં ત્રણ મહિના અને પોસ્ટ-ફ્લાઇટ ટેસ્ટ માટે એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.
વિદેશમાં નશામાં પાઇલટ્સના કેસ
૧. બ્રિટિશ ઍરવેઝના પાઇલટ જુલિયન મોનાઘનને જાન્યુઆરી ૨૦૧૮માં મૉરિશ્યસ જતાં પહેલાં બોઇંગ ૭૭૭નું નિરીક્ષણ કરતી વખતે ટેક્નિશ્યને દારૂ પીવડાવ્યો એ પછી કૉકપિટમાંથી ગેટવિક ઍરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી.
૨. નશામાં ધૂત જપાની પાઇલટ કાત્સુતોશી જિત્સુકાવાની હીથ્રો ઍરપોર્ટ પર સીધો ચાલવા માટે અસમર્થ હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી અને નવેમ્બર ૨૦૧૮માં ઇસ્લેવર્થ ક્રાઉન કોર્ટ દ્વારા ૧૦ મહિના માટે જેલમાં મોકલવામાં આવ્યો હતો.
૩. ૬૩ વર્ષના નેવીના અનુભવી ગ્લેન્ડન ગુલિવરની ઑગસ્ટ ૨૦૧૯માં ગ્લાસગો ઍરપોર્ટ
પર ધરપકડ કરવામાં આવી હતી અને આલ્કોહૉલ માટેના બ્રેથલાઇઝર ટેસ્ટમાં પૉઝિટિવ ટેસ્ટ માટે ૧૦ મહિનાની જેલ કરવામાં આવી હતી.
૪. ઑર્લાન્ડોના ૫૨ વર્ષના જેટબ્લુ પાઇલટ જેમ્સ ક્લિફ્ટન કૉકપિટમાં નશામાં જોવા મળ્યા હતા. તેમની માર્ચ ૨૦૨૨માં બફેલો નાયગરા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તે કથિત રીતે નશામાં પ્લેનમાં ચડી ગયો હતો અને જ્યારે તેને કૉકપિટમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે નશામાં હતો.
૫. ડેલ્ટા ઍરલાઇન્સનો પાઇલટ જૂન ૨૦૨૩માં સ્કૉટલૅન્ડમાં નશામાં જોવા મળતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ઍરલાઇન્સ દ્વારા તેનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું હતું. ૬૧ વર્ષના પાઇલટ ઝડપાયા બાદ ફ્લાઇટ કૅન્સલ કરવી પડી હતી. તમામ મુસાફરોને ફરીથી બીજી ફ્લાઇટમાં બેસાડવા પડ્યા હતા.