e-બાઇક ટૅક્સીની આડે ઊતર્યા રિક્ષાવાળા

04 May, 2025 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૧ મેએ આખા મહારાષ્ટ્રમાં RTO સામે વિરોધ કરશે, રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક બાઇક ટૅક્સીને મંજૂરી આપતાં ઑટોરિક્ષા ચલાવનારાઓ મૂંઝાયા છે અને તેમને સરકારના આ નિર્ણયમાં ખતરાની ઘંટી સંભળાઈ રહી છે. તેમને ડર છે કે જો e-બાઇક ટૅક્સી ફરતી થઈ જશે તો...

e-બાઇક ટૅક્સીની આડે ઊતર્યા રિક્ષાવાળા

રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક બાઇક ટૅક્સીને મંજૂરી આપતાં ઑટોરિક્ષા ચલાવનારાઓ મૂંઝાયા છે અને તેમને સરકારના આ નિર્ણયમાં ખતરાની ઘંટી સંભળાઈ રહી છે. તેમને ડર છે કે જો e-બાઇક ટૅક્સી ફરતી થઈ જશે તો તેમનો ધંધો ચોપટ થઈ જશે અને તેમને ઘરનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ થઈ પડશે. એટલે રાજ્યભરનાં ઑટોરિક્ષા યુનિયનોએ સરકારની આ પૉલિસીનો વિરોધ કર્યો છે. ૨૧ મેએ તેઓ રાજ્યભરની રીજનલ ટ્રાન્સ્પોર્ટ ઑફિસ (RTO) સામે વિરોધ-પ્રદર્શન કરશે. 

ઑટોરિક્ષા ડ્રાઇવર-ઓનર્સ અસોસિએશનની મહારાષ્ટ્રની જૉઇન્ટ કમિટીના પ્રેસિડન્ટ શશાંક રાવે આ બાબતે કહ્યું હતું કે ‘રાજ્ય સરકાર બેરોજગાર યુવાનોને કામ મળી રહે એ માટે આ e-બાઇક ટૅક્સીનો પ્રોજેક્ટ લાવી છે, પણ એને લીધે મહારાષ્ટ્રના દોઢ લાખ રિક્ષાવાળાનો ધંધો ઘણો ઓછો થઈ જશે અને તેમને માટે ઘરનું ગુજરાન ચલાવવું ભારે થઈ પડશે.’

ઑટોરિક્ષા અસોસિએશનના મુંબઈ, કોંકણ, વિદર્ભ, મરાઠવાડા, ખાનદેશ અને ગ્રામીણ વિસ્તારના નેતાઓની એક બેઠક ૨૭ એપ્રિલે મળી હતી જેમાં સરકારની આ પૉલિસીને તરત જ પાછી ખેંચવામાં આવે એવી માગણી સાથે રાજ્યભરની દરેક RTO સામે ૨૧ મેએ વિરોધ-પ્રદર્શન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

શું છે સરકારનો વ્યુ પૉઇન્ટ?
રાજ્ય સરકારે એપ્રિલમાં પ્રધાનમંડળની બેઠકમાં e-બાઇક ટૅક્સીને મંજૂરી આપતો નિર્ણય લીધો હતો. રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ‘e-બાઇક ટૅક્સીને મંજૂરી આપવાથી મુંબઈમાં ૧૦,૦૦૦ જેટલા યુવાનોને રોજગાર મળી રહેશે. સામે એટલા જ યુવાનો માટે મહારાષ્ટ્રનાં અન્ય શહેરોમાં પણ રોજગારની તક ઊભી થશે. વળી લોકોને પણ ઓછા ભાડામાં પ્રવાસ કરવાનો વિકલ્પ મળશે. રિક્ષામાં જે અંતર માટે ૧૦૦ રૂપિયા ભાડું લેવાય છે એટલું જ અંતર e-બાઇક ટૅક્સી પર કાપવા માટે અંદાજે ૩૦-૪૦ રૂપિયા ચૂકવવાના આવશે. જોકે એમ છતાં એ માટેના રેટ નક્કી થશે એ પછી ચિત્ર વધુ ક્લિયર થશે.’ 

mumbai news mumbai ola uber mumbai traffic mumbai traffic police