ઘાટકોપર : શીતલ દામાને આપો ન્યાય : ગવર્નર પાસે કરાઈ માગણી

20 October, 2020 11:06 AM IST  |  Mumbai | Rohit Parikh

ઘાટકોપર : શીતલ દામાને આપો ન્યાય : ગવર્નર પાસે કરાઈ માગણી

મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારીને ‘શીતલ દામાને ન્યાય આપો’ એવી માગણી કરતું આવેદનપત્ર આપી રહેલા ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયા, જિતેશ દામા અને ભાનુશાલી સમાજના પદાધિકારીઓ.

અસલ્ફા વિલેજની શીતલ દામાના આકસ્મિક મૃત્યુના ૧૭ દિવસ પછી પણ મહાનગરપાલિકા, પોલીસ અને રાજ્ય સરકાર તરફથી શીતલને ન્યાય મળ્યો નથી. શીતલના મૃત્યુ માટે જવાબદાર મહાનગરપાલિકાના અધિકારીઓ અને કૉન્ટ્રૅક્ટરો સામે પોલીસ ગુનો નોંધે એવી માગણી સાથે ગઈ કાલે સવારે ઈશાન મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાના નેતૃત્વ હેઠળ શીતલ દામાનો પતિ જિતેશ દામા અને ભાનુશાલી સમાજના પદાધિકારીઓએ ગઈ કાલે સવારે મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું.

આ બાબતની માહિતી આપતાં અસલ્ફા વિલેજના ભાનુશાલી સમાજના અગ્રણી કાર્યકર કમલેશ દામાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શીતલ દામાને ન્યાય આપો એવી માગણી સાથે આ અગાઉ કિરીટ સોમૈયા અને ભાનુશાલી સમાજે ઘાટકોપર પોલીસ-સ્ટેશન અને ત્યાર બાદ મંત્રાલય સામે ધરણાં કર્યાં હતાં. શીતલના મૃત્યુના ૧૭ દિવસ પછી પણ તેના મૃત્યુની તપાસમાં અને મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કૉન્ટ્રૅક્ટરો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં પોલીસ અને મહાનગરપાલિકા નિષ્ફળ ગઈ છે એથી ગઈ કાલે કિરીટ સોમૈયાના નેતૃત્વ હેઠળ અમારા સમાજના પદાધિકારીઓ અને જિતેશ દામાએ મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારીને એક આવેદનપત્ર આપ્યું હતું, જેમાં અમારા તરફથી ગૃહમંત્રાલય વહેલામાં વહેલી તકે શીતલ દામાને ન્યાય આપવા માટે સંબંધિત બેદરકારો સામે ગુનો નોંધીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરવામાં આવી છે.’

કમલેશ દામાએ વધુમાં કહ્યું હતું કે ‘ભગત સિંહ કોશ્યારીએ અમારી ૨૦ મિનિટ સુધી શાંતિથી વાત સાંભળી હતી. ત્યાર બાદ તેમણે અમને આશ્વાસન આપતાં કહ્યું હતું કે હું આ સંદર્ભે ગૃહમંત્રાલય સાથે વાતચીત કરીને કાર્યવાહી કરવાનું કહીશ.’

mumbai mumbai news ghatkopar