08 March, 2024 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સસ્તામાં ફૉરેનની ટૂરની લાલચ આપીને છેતરનારા બે આરોપીઓ અને તેમને પકડી લેનાર ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ૩ની ટીમ.
યાત્રી ક્લબ ઑફ હૉલિડેઝ પ્રાઇવેટ લિમિટેડના સંચાલકોની સસ્તામાં ફૉરેનની ટૂર કરાવવાનું કહીને લોકોને છેતરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ૨૭ વર્ષના મુખ્ય આરોપી હિમાંશુ તિવારી અને અંધેરીમાં રહેતા તેના સાગરીત નોમાન ઝુબેરે ઘણા લોકોને છેતર્યા હોવાનું બહાર આવ્યું છે.
હિમાંશુ તિવારી અને નોમાન ઝુબેરે તેમની યાત્રી ક્લબ ઑફ હૉલિડેઝની સાકીનાકામાં ત્રણ ઑફિસ ખોલી હતી. તેઓ મુંબઈ અને અન્ય ઠેકાણે સેમિનાર પણ ગોઠવતા હતા અને લોકોને તેમની ક્લબની મેમ્બરશિપ લેવા કહેતા હતા. લોકોને એવી લાલચ આપવામાં આવી હતી કે તેઓ સસ્તામાં ફૉરેનની ટૂર કરાવશે. એથી ઘણા લોકોએ તેમની મેમ્બરશિપ લીધી હતી. આમ લાખો રૂપિયા એકઠા કરી લીધા બાદ તેમણે તેમની ઑફિસો બંધ કરી દીધી હતી અને મોબાઇલ પણ બંધ કરી લોકોના લાખો રૂપિયા લઈને નાસી ગયા હતા. આ સંદર્ભે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ૬.૭૦ લાખ રૂપિયાની અને સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ૫.૧૧ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. એની સાથે કેસની સમાંતર તપાસ ક્રાઇમ બ્રાન્ચને પણ સોંપવામાં આવી હતી.
હિમાંશુ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં છુપાયો હોવાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉત્તર પ્રદેશ જઈને તેને પકડી લાવી હતી. એ પછી તેની પૂછપરછમાં તેણે તેના સાગરીત નોમેનનું નામ આપ્યું હતું એટલે તેને પણ અંધેરીથી ઝડપી લેવાયો હતો.
ક્રાઇમ બ્રાન્ચે જાહેર અપીલ કરી છે કે જો કોઈ આ બન્ને ગઠિયાઓનો શિકાર બન્યું હોય તો તેમણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ૩નો ૦૨૨-૨૩૦૦ ૩૦૩૮ નંબર પર સંપર્ક કરીને તેમની ફરિયાદ નોંધાવવી.