બ્રેકઅપ થયા પછી બૉયફ્રેન્ડ સાથે પૅચઅપ કરવા ગામમાં કોઈને શોધવા ન નીકળાય

10 November, 2025 07:17 AM IST  |  Mumbai | Mehul Jethva

આ મામલે સેન્ટ્રલ સાઇબર પોલીસે ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

પ્રતીકાત્મક તસવીર

શૅરબજારની ટ્રેડિંગ કંપનીમાં સિનિયર પોસ્ટ પર કામ કરતી ૨૮ વર્ષની યુવતી ઇન્સ્ટાગ્રામ પર ભટકાયેલા તાંત્રિકની સલાહ લેવા ગઈ એમાં લૂંટાઈ ગઈ : બનાવટી બાબાની વાતોમાં એવી આવી ગઈ કે બે મહિનામાં ૩૩ લાખ ૪૪ હજાર ૪૯૨ રૂપિયા આપી બેઠી, એ પણ ૧૦૨ બૅન્ક-અકાઉન્ટમાં

બૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયા બાદ પાછું પૅચઅપ કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર મળેલા એક તાંત્રિકની મદદ લેવા જતાં વડાલા-ઈસ્ટના ઍન્ટૉપ હિલમાં રહેતી ૨૮ વર્ષની યુવતીએ સાઇબર છેતરપિંડીમાં ૩૩,૪૪,૪૯૨ રૂપિયા ગુમાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ મામલે સેન્ટ્રલ સાઇબર પોલીસે ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તમારા પર કાળો જાદુ કરવામાં આવ્યો છે અને એ માટે પૂજા કરાવવી પડશે તથા બ્રેકઅપ બાદ બૉયફ્રેન્ડનો પાછો ભેટો કરાવવા માટે પણ પૂજા કરાવવી પડશે એમ કહીને શૅરમાર્કેટની ટ્રેડિંગ કંપનીમાં સિનિયર પોસ્ટ પર નોકરી કરતી યુવતી પાસેથી ૨૩ જુલાઈથી લઈને ૧૬ ઑક્ટોબર દરમ્યાન વિવિધ પૂજાના નામે પૈસા પડાવવામાં આવ્યા હોવાનો આરોપ યુવતીએ ફરિયાદમાં કર્યો છે.

શું હતો ઘટનાક્રમ?

ઍન્ટૉપ હિલમાં રહેતી યુવતીનું જુલાઈની શરૂઆતમાં તેના બૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું હતું જેથી તે સતત ડિપ્રેશનમાં રહેવા માંડી હતી. એ દરમ્યાન જુલાઈની શરૂઆતમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર રીલ જોતી વખતે એક તાંત્રિકની રીલ જોઈ હતી.

આ રીલમાં બ્લૅક મૅજિક, કુંડલીદોષ અને કરજ સહિતની પરેશાનીમાં તાત્કાલિક નિવારણ કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એ જોઈને યુવતીએ તેનો સંપર્ક કર્યો હતો. તેણે યુવતીનો પ્રૉબ્લેમ જાણીને એને થોડા દિવસોમાં દૂર કરવામાં આવશે એવી ખાતરી કરાવી હતી.

યુવતીની માહિતી જાણ્યા બાદ તારા પર કાળો જાદુ કર્યો છે, તારે એકમુખી દેવીની પૂજા કરાવવી પડશે એમ કહીને તાંત્રિકે શરૂઆતમાં ૩૫૦૦ રૂપિયા લીધા હતા. બે દિવસ પછી પૂજા વિશે પૂછપરછ કરતાં તારી પૂજા હજી અધૂરી છે અને એ માટે અમુક સામગ્રી લેવી પડશે એમ કહીને યુવતી પાસેથી બીજા ૧૦,૮૦૦ રૂપિયા પડાવ્યા હતા.

ત્રણ દિવસ બાદ યુવતીએ પૂજા વિશે પૂછપરછ કરતાં તાંત્રિકે કહ્યું હતું કે તમારા જીવનમાંથી નેગેટિવિટી પૂર્ણ થઈ નથી. એ ખતમ કરવા માટે વધુ ૩ દિવસ પૂજા કરાવવી પડશે એમ કહીને તેની પાસેથી ૩૮,૦૦૦ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.

ઑગસ્ટમાં તાંત્રિકે યુવતીનો સંપર્ક કરીને બૉયફ્રેન્ડ વિશેની તમામ માહિતી લઈ તેના પર બ્લૅક મૅજિક કરવો પડશે અને તો જ તે તારી પાસે પાછો આવશે એમ કહીને વધુ એક લાખ રૂપિયા પડાવ્યા હતા.

ઑગસ્ટના અંત સુધીમાં બૉયફ્રન્ડનો સામેથી કોઈ મેસેજ ન આવતાં યુવતીએ તાંત્રિકને પૂછતાં તેણે જણાવ્યું હતું કે તેં પાછલા જન્મમાં ઘણાં પાપ કર્યાં છે એટલે તારી સાથે આવી ઘટનાઓ બની રહી છે. એ બધાં પાપ ધોવા માટે ૬ દિવસની પૂજા કરાવવી પડશે એમ કહીને બીજા દોઢ લાખ રૂપિયા લીધા હતા.

આ રીતે વિવિધ કારણો દર્શાવીને તાંત્રિકે ૨૩ જુલાઈથી ૧૬ ઑક્ટોબર સુધીમાં કુલ ૩૩,૪૪,૪૯૨ રૂપિયા પડાવી લીધા હતા છતાં યુવતીના જીવનમાં કોઈ પરિવર્તન ન આવતાં તેણે ઘટનાની જાણ ઘરના સભ્યોમાં કરી ત્યારે તેની સાથે સાઇબર છેતરપિંડી થઈ હોવાની ખાતરી થઈ હતી.

સેન્ટ્રલ સાઇબર પોલીસ-સ્ટેશનની ટીમ યુવતીએ જેમાં પૈસા મોકલેલાં એ ૧૦૨ બૅન્ક-અકાઉન્ટની માહિતી કઢાવી રહી છે.

mumbai news mumbai antop hill cyber crime Crime News mumbai crime news mumbai crime branch