ચેમ્બુરના રહેવાસીઓએ પાવર કટ કરનારી અદાણીની ઑફિસનો કર્યો ૧૧ કલાક ઘેરાવ

13 May, 2022 11:07 AM IST  |  Mumbai | Anurag Kamble

સિદ્ધાર્થ કૉલોનીના રેસિડન્ટ્સે વિરોધ-પ્રદર્શન કરવા ૧૦૦ કર્મચારીઓને બનાવ્યા બંધક

ચેમ્બુરમાં સિદ્ધાર્થ કૉલોનીના રહેવાસીઓ એઈએમએલની ટિળક નગર પ્લાન્ટની બહાર

અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ (એઈએમએલ) દ્વારા રોજ પાવર ડિસકનેક્ટ કરવામાં આવતો હોવાથી રોષે ભરાયેલા ચેમ્બુરની સિદ્ધાર્થ કૉલોનીના સેંકડો રહેવાસીઓએ એઈએમએલના ટિળક નગર પ્લાન્ટનો ૧૧ કલાક કરતાં વધુ સમય માટે ઘેરાવ કર્યો હતો.  સિદ્ધાર્થ કૉલોનીના રહેવાસીઓએ કરેલા દાવા મુજબ ગઈ કાલે સવારે ૪ વાગ્યે એઈએમએલે પાવર કાપી નાખ્યો હોવાથી તેમણે સવારે ૮.૩૦ વાગ્યે ભેગા મળીને ઘેરાવ કર્યો હતો, જે લગભગ ૧૧ કલાક ચાલ્યો હતો. આ આંદોલનને કારણે એઈએમએલના લગભગ ૧૦૦ જેટલા કર્મચારીઓ પ્લાન્ટમાં બંધક બની ગયા હતા. જોકે પ્લાન્ટમાં કામ કરતી મહિલા કર્મચારીઓને ઘરે જવા દેવાઈ હતી. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા ટિળક નગર પોલીસે એસઆરપીએફ પ્લૅટૂન સાથે પોલીસના જવાનો તહેનાત કર્યા હતા. રહેવાસીઓનું પ્રતિનિધિમંડળ એઈએમએલના અધિકારીઓને મળ્યું હતું. બન્ને પક્ષો વચ્ચેની વાતચીતમાં બિલ ભરવા માટે બે દિવસનો સમય મળ્યા બાદ રાતે ૯ વાગ્યે લગભગ ૧૩ કલાક પછી ઘેરાવ પાછો ખેંચી લેવાયો હતો.

ચેમ્બુરની સિદ્ધાર્થ કૉલોનીમાં ૨૦૦૫ના વર્ષથી વીજબિલની ચુકવણીની સમસ્યા ચાલુ છે. એઈએમએલે જણાવ્યા અનુસાર ૩૫૨૪ ગ્રાહકોનું કુલ મળીને લગભગ ૧૦૨ કરોડ રૂપિયાનાં વીજબિલની ચુકવણી બાકી છે. રહેવાસીઓએ દાવો કર્યો હતો કે વીજબિલની બાકી નીકળતી ચુકવણીની રકમ ચૂકવવાની રીડેવલપરે ખાતરી આપી છે. ૧૫ ફેબ્રુઆરીએ મળેલી મીટિંગમાં જૂન ૨૦૧૯ પછીનું બિલ ચૂકવવાની વાત પર સહમતી સધાયા પછી પણ મોટા ભાગના ગ્રાહકોએ વીજબિલ ન ચૂકવતાં કંપનીએ ૨૦૦ જેટલા ગ્રાહકો વિરુદ્ધ વીજચોરીની ફરિયાદ નોંધાવી હતી. ૬ઠ્ઠી મેથી કંપનીએ વહેલી સવારથી આખા દિવસ માટે પાવર સપ્લાય બંધ કરી હતી. કંપનીના અધિકારીઓ જણાવે છે કે અમારી પાસે કોઈ વિકલ્પ ન હોવા છતાં અમે માનવતાના ધોરણે રાતના સમયે વીજપ્રવાહ ચાલુ રાખતા હતા. 

mumbai mumbai news chembur anurag kamble