આંગડિયા કેસમાં સંડોવાયેલા ડીસીપી સૌરભ ત્રિપાઠી સામે લુકઆઉટ નોટિ

13 May, 2022 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ લુકઆઉટ નોટિસને કારણે હવે તેઓ દેશ છોડીને નાસી નહીં જઈ શકે

ડીસીપી સૌરભ ત્રિપાઠી

ભુલેશ્વરના આંગડિયાઓ પાસેથી ૧૫થી ૧૮ લાખ રૂપિયાની ખંડણી પડાવવાના અને માસિક ૧૦ લાખ રૂપિયાનો હપ્તો માગવાના આરોપસર ઝોન બેના સસ્પેન્ડ કરાયેલા ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ સૌરભ ​ત્રિપાઠીને શોધી રહેલી પોલીસે હવે તેમની સામે લુકઆઉટ નોટિસ ઇશ્યુ કરી છે. આ લુકઆઉટ નોટિસને કારણે હવે તેઓ દેશ છોડીને નાસી નહીં જઈ શકે. જોકે, પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ અમુક લોકોનું માનવું છે કે તેઓ કદાચ દેશ છોડીને જતા રહ્યા હશે.

ડિસેમ્બર મહિનામાં ભુલેશ્વરના આંગડિયાઓને ઇન્કમ-ટૅક્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેમની પાસેથી લાખો રૂપિયાની ખંડણી પડાવવાના કેસમાં આંગડિયાઓએ એ વખતના મુંબઈના પોલીસ કમિશનર હેમંત નગરાળેને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ એ કેસની તપાસ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ યુનિટને સોંપવામાં આવી હતી. એ કેસમાં સંડાવાયેલા એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારીઓ અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન કદમ, સબ-ઇન્સ્પેક્ટર સમાધાન જમદાડે અને ઓમ વેન્ગાટેની ધરપકડ કરાઈ હતી.  

તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું હતું કે ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ સૌરભ ​ત્રિપાઠીએ તેમના ગામમાં હવાલા ઑપરેટરની મદદથી મોટી રકમ ટ્રાન્સફર કરી હતી. આ કેસની તપાસ માટે પોલીસની પાંચ ટીમ બનાવવામાં આવી હતી. જોકે હજી સુધી સૌરભ ​ત્રિપાઠી પોલીસને ચકમો આપતા નાસતા ફરી રહ્યા છે. તેમણે આગોતરા જામીનની અરજી પણ કરી હતી. જોકે કોર્ટે તેમની એ અરજી ફગાવી દીધી હતી. હવે પોલીસે તેમની સામે લુકઆઉટ નોટિસ ઇશ્યુ કરી છે.  

mumbai mumbai news