26 August, 2026 07:22 AM IST | Mumbai | Madhulika Ram Kavattur
દેવેનને તાત્કાલિક તબીબી સારવાર માટે ઘાટકોપર-ઈસ્ટની રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો
વિદ્યાવિહાર ઈસ્ટ-વેસ્ટ ફ્લાયઓવર માટે હાલમાં વિદ્યાવિહાર-ઈસ્ટમાં બાંધકામ ચાલી રહ્યું છે. સ્ટેશન નજીક રોડ પહોળો કરવાના કામ દરમ્યાન એક દુકાનનું ડિમોલિશન ચાલી રહ્યું હતું ત્યારે ગઈ કાલે બપોરે ૩.૩૦ વાગ્યે અકસ્માત થયો હતો. JCBએ એ બાંધકામ પર ફટકો માર્યો ત્યારે લોખંડનો એક સળિયો ઊડ્યો હતો જે એ વખતે રસ્તા પરથી પસાર થઈ રહેલા એસ. કે. સોમૈયા કૉલેજના ૧૭ વર્ષના સ્ટુડન્ટ દેવેન જૈનને વાગ્યો હતો. દેવેનને તાત્કાલિક તબીબી સારવાર માટે ઘાટકોપર-ઈસ્ટની રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેના માથામાં ૧૫થી વધુ ટાંકા લગાવ્યા હતા.
ડિમોલિશન દરમ્યાન બૅરિકેડિંગ કરવાનું પ્રવીણ છેડાનું BMCને સૂચન
આ ઘટના પછી ભૂતપૂર્વ નગરસેવક પ્રવીણ છેડાએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના મ્યુનિસિપલ કમિશનર અને વૉર્ડ-ઑફિસરને પત્ર લખીને સ્થળ પર બૅરિકેડિંગનો અભાવ દર્શાવ્યો હતો. તેમણે પત્રમાં લખ્યું હતું કે ‘કોઈ પણ પ્રકારનું બૅરિકેડિંગ આવી ઘટનાઓ બનતી અટકાવશે. મેં આ વિશે BMCના ઑફિસરોને પણ લખ્યું છે અને અપેક્ષા અને આશા રાખું છું કે તેઓ ટૂંક સમયમાં ડિમોલિશન-સ્થળોને વધુ સુરક્ષિત બનાવવા માટે પગલાં લેશે.’
- મધુલિકા રામ કવત્તુર