31 May, 2025 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
નવી મુંબઈ ઍરપોર્ટનું મોટા ભાગનું કામ હવે પતી ગયું છે અને દિવાળી આસપાસ એ ચાલુ કરવાનું પણ પ્લાનિંગ થઈ રહ્યું છે ત્યારે એના નામ બાબતે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. ભૂતપૂર્વ સંસદસભ્ય અને લોકનેતા ડી. બી. પાટીલનું નામ એને આપવામાં આવે એ માટે લોકનેતા ડી. બી. પાટીલ નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ઑલ પાર્ટી ઍક્શન કમિટીના ચૅરમૅન દશરથ પાટીલે ફરી માગણી કરી છે. તેમણે કહ્યું છે કે જો એમ નહીં કરવામાં આવે તો વિરોધનો વંટોળ ઊઠી શકે છે એટલે નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને વહેલી તકે લોકનેતા ડી. બી. પાટીલનું નામ આપવામાં આવે.
દશરથ પાટીલે ચીમકી આપતાં કહ્યું હતું કે ‘ઍરપોર્ટને ડી. બી. પાટીલનું નામ આપવા ઑલરેડી મહારાષ્ટ્ર સરકારનાં બન્ને ગૃહો, વિધાનસભા અને વિધાન પરિષદમાં રેઝોલ્યુશન પાસ કરવામાં આવ્યું છે જે કેન્દ્ર સરકારને મંજૂરી માટે મોકલવામાં આવ્યું છે અને ત્યાં એ લાંબા સમયથી પેન્ડિંગ છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સાથે આ માટે બેઠક કરીને વહેલી તકે નિર્ણય લેવો જોઈએ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એની જાહેરાત પણ કરવી જોઈએ. જો એમ ન થયું તો લોકોનો રોષ ફાટી નીકળે તો કંઈ કહેવાય નહીં. એ સિવાય આ પ્રોજેક્ટના અસરગ્રસ્તોને ઍરપોર્ટ પર જૉબ આપવાનો નિર્ણય પણ વહેલી તકે લેવાવો જોઈએ.’