26 May, 2025 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આગમાં જીવ ગુમાવનારા અકોલાના પિતા-પુત્ર સચિન અને સ્વરાજ ઠાકરે.
મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના અકોટ તાલુકાના મુંડગાવ ખાતેના બાજારપુરા વિસ્તારમાં શનિવારે રાતે સચિન ઠાકરેના ઘરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આઠ વર્ષનો પુત્ર સ્વરાજ બેડરૂમમાં સૂતો હતો તેને બચાવવા માટે પિતા સચિન ઠાકરેએ સળગતી જ્વાળામાં ઝંપલાવ્યું હતું. જોકે આગ ભયંકર હતી એટલે સચિન ઠાકરે સાથે તેમનો પુત્ર સ્વરાજ બેડરૂમની બહાર ન નીકળી શકતાં બન્ને આગમાં ભડથું થઈ ગયા હતા. આ ઘટનાથી અકોલામાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
અકોલા ફાયર-બ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ મુંડગાવના બાજારપુરા વિસ્તારમાં રહેતા સચિન ઠાકરેના ઘરમાં શનિવારે મોડી રાતે અચાનક આગ લાગી હતી. સચિન ઠાકરે ઘરની ઓસરીમાં હતા ત્યારે તેમણે બેડરૂમમાંથી ધુમાડાની સાથે આગની જ્વાળા નીકળતી જોઈ હતી. પુત્ર સ્વરાજ બેડરૂમમાં સૂતો હતો. આથી સચિન ઠાકરે પુત્રને આગથી બચાવવા માટે બેડરૂમમાં ધસી ગયા હતા. જોકે આગ પૂરા બેડરૂમમાં ફેલાઈ ગઈ હતી અને ચારેબાજુ ધુમાડો હતો એટલે સચિન ઠાકરે બેડરૂમની અંદર તો ગયા હતા પરંતુ બહાર નીકળી નહોતા શક્યા. ગામવાસીઓ અને ફાયર-બ્રિગેડના જવાનોએ પાણી નાખીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એટલી વારમાં સચિન ઠાકરે અને તેમનો પુત્ર સ્વરાજ આગમાં સખત રીતે દાઝી જતાં તેમનાં મૃત્યુ થયાં હતાં.