લોકસભાની ચૂંટણીમાં આતંકવાદી કસબ અને શહીદ ઑફિસર હેમંત કરકરેએ મારી ‘એન્ટ્રી’

06 May, 2024 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસના વિજય વડેટ્ટીવારના ૨૬/૧૧ આતંકવાદી હુમલાના વિવાદાસ્પદ નિવેદનથી થઈ ધમાલ

આતંકવાદી કસબ. શહીદ ઑફિસર હેમંત કરકરે.

૧૬ વર્ષ પહેલાં ૨૬ નવેમ્બરે મુંબઈમાં ૧૦ પાકિસ્તાની આતંકવાદીઓએ હુમલો કર્યો હતો ત્યારે ૧૬૬ સામાન્ય નાગરિક અને પોલીસના ત્રણ ઉચ્ચ અધિકારી સહિત ૧૭૫ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ હુમલામાં પોલીસે ૯ આતંકવાદીઓને ખતમ કરી નાખ્યા હતા અને અજમલ કસબને જીવતો પકડ્યો હતો. તેણે કરેલા ગોળીબારમાં મહારાષ્ટ્ર પોલીસની ઍન્ટી ટેરરિ ઝમ સ્ક્વૉડ (ATS)ના ચીફ હેમંત કરકરેનું મૃત્યુ થયું હતું. આ કેસનો ખટલો લોકસભાની મુંબઈ નૉર્થ સેન્ટ્રલ બેઠકના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર અને વિશેષ સરકારી વકીલ ઍડ્વોકેટ ઉજ્જ્વલ નિકમે લડીને કસબને ફાંસીને માંચડે પહોંચાડ્યો હતો. જોકે કૉન્ગ્રેસ અને મહારાષ્ટ્રની વિધાનસભાના વિરોધી પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે દાવો કર્યો છે કે હેમંત કરકરેનું મૃત્યુ આતંકવાદી કસબની ગોળીથી નહીં, પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સમર્થક પોલીસ-અધિકારીની ગોળીથી થયું હતું. આ નિવેદનથી ભારે બબાલ મચી છે. BJPએ કૉન્ગ્રેસના નેતા સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે તો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાએ આ નેતાની ધરપકડ કરીને તપાસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવાની માગણી કરી છે.

કૉન્ગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે દાવો કર્યો છે કે ૨૬/૧૧ના આતંકવાદી હુમલામાં આઇપીએસ અધિકારી હેમંત કરકરેના મૃત્યુ બાબતની વિગતો છુપાવવામાં આવી હતી એટલે અજમલ કસબ નહીં, પણ ઍડ્વોકેટ ઉજ્જવલ નિકમ દેશદ્રોહી છે. આવા દેશદ્રોહીને લોકસભાની ચૂંટણીની ટિકિટ આપવામાં આવી છે. શું BJP દેશદ્રોહીઓને સમર્થન આપવાવાળી પાર્ટી છે? મહારાષ્ટ્ર ATSના તત્કાલીન ચીફ હેમંત કરકરેનું મૃત્યુ અજમલ કસબની નહીં, પણ પોલીસ ઇન્સ્પેક્ટરની ગોળીથી થયો હોવાનું રાજ્યના ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી એસ એમ મુશ્રીફે પુસ્તકમાં લખ્યું છે એના પરથી હું આ કહી રહ્યો છું.’

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને BJPના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે કૉન્ગ્રેસના નેતાના દાવા વિશે કહ્યું હતું કે ‘અમે ઉજ્જવલ નિકમ જેવા દેશભક્તને ટિકિટ આપી છે. વિરોધી પક્ષના આ નેતા કહે છે કે ઉજ્જવલ નિકમે અજમલ કસબની બદનામી કરી. કૉન્ગ્રેસને ચિંતા પાકિસ્તાનથી મુંબઈ પહોંચીને હુમલો કરનારા આતંકવાદી અજમલ કસબની છે. અમારી યુતિ ઉજ્જવલ નિકમ સાથે છે, પણ મહાવિકાસ આઘાડી આતંકવાદી અજમલ કસબની સાથે છે. લોકોએ નિર્ણય લેવાનો છે કે તેઓ કોની સાથે છે?’

BJPના મુંબઈ અધ્યક્ષ ઍડ. આશિષ શેલારે ઇલેક્શન કમિશનમાં કૉન્ગ્રેસના નેતા વિજય વડેટ્ટીવાર સામે આચારસંહિતાનો ભંગ કરવા બદલ કરવાની લેખિત ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે કૉન્ગ્રેસના નેતા નિવેદન પાછું ખેંચીને જાહેરમાં માફી માગે તેમ જ મનફાવે એવું નિવેદન કરીને મતદારોને ભ્રમિત કરવાનો મામલો નોંધવામાં આવે.

ઉજ્જ્વલ નિકમે શું કહ્યું?
કૉન્ગ્રેસના નેતાના દાવા વિશે ઉજ્જવલ નિકમે કહ્યું હતું કે ‘અજમલ કસબને ફાંસી આપવામાં આવી હતી એ પહેલાં તેણે કોર્ટમાં કબૂલ કર્યું હતું કે મુંબઈમાં હુમલો કર્યો હતો ત્યારે તેણે અને તેની સાથેના આતંકવાદી ઇસ્માઇલ ખાને પોલીસની જીપ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં પોલીસ અધિકારીઓ હેમંત કરકરે, અશોક કામટે અને વિજય સાળસકરનાં મૃત્યુ થયાં હતાં. કૉન્ગ્રેસને મારી ઉમેદવારીથી ડર લાગી રહ્યો છે એટલે તેના નેતા વિજય વડેટ્ટીવાર અફવા ફેલાવી રહ્યા છે. આવા નિવેદનથી પાકિસ્તાની સરકારને ફાયદો થઈ શકે છે અને ભારતની ઇમેજ ખરડાઈ છે. આવું કહીને કૉન્ગ્રેસ ૨૬/૧૧ના આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોનો અનાદર કરી રહી છે.’

mumbai news mumbai terror attack congress Lok Sabha Election 2024