23 December, 2025 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજય બોરસ્તે
નગરપરિષદ અને નગરપંચાયતની ચૂંટણીઓમાં પોતાના દમ પર ૫૭ સંસ્થાઓમાં મેળવેલા વિજયથી એકનાથ શિંદેની શિવસેનાના કાર્યકરો અને સમર્થકો ઉત્સાહમાં છે એટલે હવે અનેક જગ્યાએ શિંદે ગ્રુપ તરફથી ભારતીય જનતા પાર્ટી (BJP) પર દબાણ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાજ્યની ૨૯ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે જેમાં નાશિક કૉર્પોરેશનના ઇલેક્શનનો પણ સમાવેશ થાય છે. આ ઇલેક્શન્સમાં શિંદેસેના સીટ-શૅરિંગમાં વધારે ભાગ ઇચ્છતી હોવાનું જાણવા મળ્યું છે એટલું જ નહીં, માગણી પૂરી ન થાય તો શિંદેસેના પોતાના દમ પર લડવા પણ તૈયાર હોવાની ચર્ચા પાર્ટીના પદાધિકારીઓમાં ચાલી રહી છે. શિંદેસેનાના સારા પર્ફોર્મન્સને BJP ભલે મહાયુતિના વિજય તરીકે વધાવી રહી હોય, પણ અંદરખાને મુંબઈ-નાશિકમાં સીટ-શેરિંગની ચર્ચા પહેલાં પાર્ટી માટે મુશ્કેલીઓ વધી ગઈ હોવાનું જાણવા મળે છે.
નાશિક મ્યુનિસિપલ કૉર્પોરેશન રાજ્યના સૌથી મહત્ત્વનાં મ્યુનિસિપલ કૉકોર્પોરેશન્સમાંનું એક છે. ૧૨૨ બેઠકો ધરાવતા આ કૉર્પોરેશનમાં પ્રભુત્વ મેળવવા માટે શિંદેસેના અને BJP વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. શિંદે ગ્રુપના નેતા અજય બોરસ્તેએ તો એવો સ્પષ્ટ દાવો કર્યો છે કે ‘અમે BJP પાસેથી ૪૫ બેઠકોની માગણી કરી છે. જો અમને ગૌરવપૂર્વક એટલી સીટ લડવા માટે નહીં મળે તો અમે અમારા દમ પર લડવા તૈયાર છીએ. નગર પરિષદની ચૂંટણીઓમાં તો અમારી તાકાત બતાવી દીધી છે, જરૂર પડશે તો ફરી બતાવીશું.’