06 July, 2021 01:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એઆઇએમઆઇએમના સંસદસભ્ય કોરોનાનાં નિયંત્રણોની ઐસીતૈસી કરીને વીક એન્ડમાં કવ્વાલીની મજા લેતા જોવા મળ્યા
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં શનિવારે રાતે યોજાયેલા સંગીત કાર્યક્રમમાં કોવિડ-19ના નિયમોનો ભંગ થયાનો પોલીસે કેસ દાખલ કર્યો છે. આ કાર્યક્રમમાં એઆઇએમઆઇએમના સંસદસભ્ય ઇમ્તિયાઝ જલીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા વહીવટી તંત્રએ કોરોના વાઇરસના સંક્રમણનો વ્યાપ અંકુશમાં રાખવા માટે ‘વીક એન્ડ લૉકડાઉન’ લાગુ કર્યું હતું.
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં જલીલ દૌલતાબાદ પોલીસ સ્ટેશનની હદના અબ્દીમંડી વિસ્તારમાં યોજાયેલા કવ્વાલી કાર્યક્રમમાં હાજર જોઈ શકાય છે.
દૌલતાબાદ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે ત્વરિત કાર્યવાહી કરી હતી અને સ્થાનિક રહેવાસી સોહેલ જકિઉદ્દીન, સમીર સાજિદ બિલ્ડર, નાસર સિદ્દીકી, રફિક ખાન અને ૫૦-૬૦ અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ સુસંગત જોગવાઈઓ હેઠળ એફઆઇઆર દાખલ કર્યો હતો. અમે વિડિયોની ખરાઈ કરી રહ્યા છીએ અને જરૂર પડ્યે, જલીલ સામે પણ કાર્યવાહી થઈ શકે છે.’
આ દરમિયાન શિવસેનાના નેતા ચંદ્રકાંત ખૈરેએ જલીલ પર નિશાન તાકતાં જણાવ્યું હતું કે ‘વારકરીઓ (ભગવાન વિઠ્ઠલના ભક્તો) મહામારીને કારણે પંઢરપુર નથી જઈ શકતા ત્યારે સંસદસભ્ય કોરોનાનો ભંગ કરીને કવ્વાલીનો આનંદ માણતા હતા. સંસદસભ્યે આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.