ચોમાસા પહેલાં બોમ્બે હાઈકોર્ટે કરી BMCને તાકીદની સૂચના: સોંપી આ જવાબદારી

25 May, 2023 03:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ચોમાસા પહેલાં મુંબઈ શહેર અને ઉપનગરોની ગલીઓમાં ખુલ્લા મેનહોલ્સને તાકીદે સુરક્ષિત કરવાની જવાબદારી બૃહન્મુંબઈ મહાનગર પાલિકાની છે

ફાઇલ તસવીર

બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) બુધવારે એક અરજીની સુનાવણી દરમિયાન સ્પષ્ટતા કરી છે કે ચોમાસા પહેલાં મુંબઈ શહેર અને ઉપનગરોની ગલીઓમાં ખુલ્લા મેનહોલ્સને તાકીદે સુરક્ષિત કરવાની જવાબદારી બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC)ની છે. આ ચોમાસા દરમિયાન ખુલ્લા મેનહોલ્સ મૃત્યુનું કારણ ન બની જાય તેની કાળજી લેવી જરૂરી હોવાનું સમજાવતા, હાઈકોર્ટે બોમ્બે મહાનગર પાલિકાને મેનહોલ્સને સુરક્ષિત કરવાના પગલાં અંગે સોગંદનામું રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

હાલમાં જ એક અખબારમાં અહેવાલ આવ્યો હતો કે બાંદરા પશ્ચિમમાં હાલમાં 4 મેનહોલ ખુલ્લા છે. આ રોડના નવીનીકરણ માટે 84 કરોડ રૂપિયાનું ફંડ આવ્યું હોવા છતાં રોડ પરના મેનહોલ હજુ પણ ખુલ્લા હોવાથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંદર્ભે, બોમ્બે હાઈકોર્ટે 2018માં બે આદેશો જાહેર કર્યા છે, પરંતુ પાલિકાએ હજી સુધી તે આદેશોનું પાલન કર્યું નથી. એડવોકેટ રૂજુ ઠક્કરે આ બાબત તરફ ધ્યાન દોરતા હાઈકોર્ટમાં તિરસ્કારની અરજી કરી છે. બુધવારે જસ્ટિસ અભય આહુજા અને જસ્ટિસ મિલિંદ સાઠેની વેકેશન બેન્ચ સમક્ષ તેની સુનાવણી થઈ હતી.

જ્યારે પાલિકાને આ પ્રશ્નો વિશે પૂછવામાં આવ્યું ત્યારે વરિષ્ઠ વકીલ અનિલ સાખરેએ હાઈકોર્ટને ખાતરી આપી હતી કે પાલિકાએ ઉક્ત ફરિયાદની નોંધ લીધી છે અને ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. તેમ જ આ જવાબદારી દરેક વોર્ડમાં ખાનગી કંપનીઓને સોંપવામાં આવી છે, જેથી ઝડપથી ધ્યાન આપવામાં આવે. તેમણે હાઈકોર્ટને એવી પણ માહિતી આપી હતી કે મેનહોલના મુદ્દે ફરિયાદો આવશે ત્યારે તેનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે. બીજી તરફ સાખરેએ હાઈકોર્ટને એમ પણ જણાવ્યું હતું કે મુંબઈમાં રસ્તાઓ કોંક્રિટથી બનાવવા માટે પાલિકાએ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. તેની નોંધ લઈ નગરપાલિકા પ્રશાસનને ખુલ્લા મેનહોલ અંગે લેવાયેલા પગલાં અને કાયમી ધોરણે લેવાયેલા પગલાં અંગે વિગતવાર સોગંદનામું રજૂ કરવા આદેશ કરતાં સુનાવણી 8મી જૂને નિયત કરવામાં આવી છે.

આ પણ વાંચો: નવી મુંબઈના રહેવાસીઓને બિલ્ડિંગ કરવી પડશે ખાલી, 524 ઈમારતો છે જોખમી

મેનહોલના કારણે અકસ્માતનો ભય

મુંબઈમાં ચોમાસામાં ખુલ્લા મેનહોલની સમસ્યા ખૂબ જ ગંભીર બની ગઈ છે. મેનહોલ ખુલ્લા રહેવાના કારણે અકસ્માત અને જાનહાનિનું મોટું જોખમ છે. 2017ના ચોમાસા દરમિયાન, મુંબઈના જાણીતા ડૉક્ટર દીપક અમરાપુરકરનું મેનહોલમાં પડી જવાથી દુઃખદ અવસાન થયું હતું. ભારે વરસાદને કારણે પ્રભાદેવી સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા હતા. ત્યારે નગરપાલિકાના કર્મચારીએ વરસાદી પાણીના નિકાલ માટે રસ્તા પરના મેનહોલ ખુલ્લા રાખ્યા હતા, જેને કારણે અનેક લોકો મોતને ભેટે છે.

mumbai mumbai news brihanmumbai municipal corporation bombay high court