05 May, 2026 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટરની તર્જ પર સિટી અૅન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (CIDCO) દ્વારા ખારઘરમાં ઇન્ટરનૅશનલ કૉર્પોરેટ પાર્ક અને ૨૦ એકર જમીન પર અત્યાધુનિક બિઝનેસ અને ડિપ્લોમસી હબ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં વિશેષરૂપે આફ્રિકા ઇન્ડિયા ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ ઝોન (AIIDZ) સ્થાપવાની યોજના છે.
નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ અને જવાહર નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT)ની કનેક્ટિવિટીને કારણે આ સેન્ટર ગ્લોબલ ટ્રેડ માટે વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવશે.
અહીં ૬૦૦૦ લોકોની ક્ષમતા ધરાવતું વિશાળ ઑડિટોરિયમ અને ૨.૫ લાખ સ્ક્વેરફુટની એક્ઝિબિશન સ્પેસ બનાવવામાં આવશે, જ્યાં વર્ષમાં ૨૫૦થી વધુ દિવસ આંતરરાષ્ટ્રીય સમિટ અને પ્રદર્શનો યોજાશે.
સેન્ટ્રલ બિઝનેસ ટાવરમાં તમામ ૫૪ આફ્રિકન રાષ્ટ્રો માટે કાયમી ઑફિસ-સ્પેસ ફાળવવામાં આવશે જે ભારત અને આફ્રિકા વચ્ચે ડિપ્લોમૅટિક અને વ્યાપારી સંબંધો મજબૂત કરશે.
સાંસ્કૃતિક અને પર્યાવરણના કાર્યક્રમો માટે અહીં લૅન્ડમાર્ક તરીકે ભવ્ય બાયો ડોમ તૈયાર કરવામાં આવશે.
આ ઉપરાંત આ કૅમ્પસમાં ફાઇવસ્ટાર હોટેલ્સ, સર્વિસ અપાર્ટમેન્ટ્સ અને રીટેલ સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે જે એને આંતરરાષ્ટ્રીય સ્તરનું બિઝનેસ-ડિસ્ટ્રિક્ટ બનાવશે.