ફડણવીસની ધરપકડના કાવતરાના માસ્ટરમાઇન્ડ શરદ પવાર હતા?

26 January, 2023 11:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કામગાર નેતા અને વકીલ ગુણરત્ન સદાવર્તેએ એનસીપીના ચીફ પર કર્યો ગંભીર આરોપ: તત્કાલીન પોલીસ કમિશનર સંજય પાંડેની મદદથી ફસાવવાનો પ્લાન કરાયો હતો, પણ ફાવ્યા નહીં

શરદ પવાર

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરેની આગેવાનીની મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા તેમને જેલમાં મોકલવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. આ સંદર્ભે ગઈ કાલે કામગાર નેતા અને વકીલ ગુણરત્ન સદાવર્તેએ દાવો કર્યો હતો કે દેવેન્દ્ર ફડણવીસને જેલમાં મોકલવાનું કાવતરું શરદ પવારે ઘડ્યું હતું. તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે.

વકીલ ગુણરત્ન સદાવર્તેએ ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘દિલીપ વળસે પાટીલના મોઢામાંથી ગઈ કાલે ‘કટ’ એવો શબ્દ નીકળ્યો હતો. આ શબ્દના અર્થને ધ્યાનમાં રાખવો જોઈએ. શરદ પવારના મુંબઈમાં આવેલા બંગલા પર હુમલો કરવાના મામલામાં મારી ધરપકડ કરવામાં આવી હતી. મારી ધરપકડ બાદ એક જુદી જ સિરીઝ ચાલુ થઈ હતી. એ સમયે ડીસીપી તરીકે નીલોત્પલની નિયુક્તિ કરવામાં આવી હતી. તેઓ મને વારંવાર લૉકઅપની બહાર કાઢતા હતા અને એક જગ્યાએ બેસાડીને મારી સાથે ચર્ચા કરતા હતા. આ ચર્ચામાં શરદ પવારના ઘર પરના હુમલા કરતાં બીજી વાતો વધુ થતી. નાગપુર, આરએસએસ, રાઇટ વિંગ અને દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત વગેરે તરફ તપાસની દિશા ફેરવવામાં આવી હતી. મેં તેમને કહ્યું હતું કે તમારી તપાસ ખોટી દિશામાં છે. જોકે તેઓ ગમે એમ કરીને મને ફસાવવા માગતા હતા. મારી ધરપકડ થયા બાદ કેટલાક નેતા અને પોલીસ કમિશનર સંજય પાંડે સહિતના પોલીસ અધિકારીઓની બેઠક થઈ હતી. આ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસની ધરપકડ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કાવતરના માસ્ટરમાઇન્ડ શરદ પવાર હતા. આથી દિલીપ વળસે પાટીલ, વિશ્વાસ નાંગરે પાટીલ અને અજિત પવારની નાર્કો ટેસ્ટ થવી જોઈએ. આરોપી ગુનો કરતી વખતે કોઈક ભૂલ કરે જ છે. ગામદેવી પોલીસ સ્ટેશનમાં એક હાર્ડ ડિસ્ક છે. એમાં એક-બે દિવસ નહીં, પણ બે વર્ષનું રેકૉર્ડિંગ છે. એ લાવો, કોલ્હાપુરનાં ફુટેજ લાવો. એમાંથી કેવી રીતે કાવતરું ઘડવામાં આવ્યું હતું એ ધ્યાનમાં આવશે. શરદ પવાર જેટલા ખરાબ રાજકારણી કોઈ નથી. તેઓ બીમાર છે, પણ તેમનું ભેજું બહુ ચાલે છે.’

આદિત્ય ઠાકરે પ્રધાન હતા ત્યારે ૧૦ દિવસ લંડન કેમ ગયેલા?
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દાવોસમાં જઈને કેટલાક પ્રોજેક્ટના એમઓયુ કરવા પાછળ ૪૦ કરોડ રૂપિયાનો માતબર ખર્ચ કર્યો હોવાનો આરોપ આદિત્ય ઠાકરેએ કર્યો છે ત્યારે ગઈ કાલે બીજેપીના નેતા નીલેશ રાણેએ સવાલ કર્યો હતો કે પર્યાવરણપ્રધાન હતા ત્યારે આદિત્ય ઠાકરે લંડનમાં ૧૦ દિવસ રોકાયા હતા. આ સમયે તેમણે કયો સરકારી કાર્યક્રમ કર્યો હતો એ જાહેર કરે. નીલેશ રાણેએ એક ટ્‌વીટમાં આવો સવાલ કર્યો હતો. 

mumbai mumbai news devendra fadnavis sharad pawar