19 July, 2023 07:40 AM IST | Mumbai | Rohit Parikh
એપીએમસીની મસાલાબજારમાં લાગેલી આગમાં ભયંકર નુકસાન થયું હતું.
મુંબઈ : નવી મુંબઈના વાશીની એપીએમસી (ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી)ની મસાલાબજારમાં રવિવારે મોડી રાતના ત્રણ વાગ્યે શૉર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી. આ આગ ઓલવતાં ફાયર બ્રિગેડને ૧૪થી ૧૬ કલાક થયા હતા. ફાયર બ્રિગેડે આ આગ બાબતમાં કહ્યું હતું કે ‘મસાલાબજારમાં ડ્રાયફ્રૂટ્સ અને મસાલા આ બધી જ આઇટમો જ્વલનશીલ હોવા છતાં નથી પૂરતી પાણીની વ્યવસ્થા કે નથી ફાયર ઇક્વિપમેન્ટ્સની કોઈ સુવિધા. નસીબજોગે રવિવારની આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ એપીએમસી અને વેપારીઓ સમયસર માર્કેટને ફાયર ઇક્વિપમેન્ટ્સથી સજ્જ કરશે નહીં તો ગમે ત્યારે મોટી દુર્ઘટના થવાની શક્યતા નકારી શકાતી નથી.’
વેપારીઓએ કહ્યું હતું કે ‘અમારી માર્કેટમાં સિડકો તરફથી મૂળભૂત સુવિધા આપવામાં જ આવી નથી. અમે ફાયર બ્રિગેડ અને ઍમ્બ્યુલન્સ જેવી અનેક પાયાની સુવિધાની માગણી કરી છે, પણ પ્રશાસન પાસે આના માટે કોઈ જ જગ્યા નથી.’
અખરોટ વિલન બન્યાં
રવિવારે મસાલાબજારની ‘એચ’ વિંગમાં આવેલા કુલસ્વામી ફૂડ્સમાં આગ ઓલવવા માટે આવેલા વાશી ફાયર બ્રિગેડના અધિકારી રોહન કોકાટેએ આખી ઘટનાની વિસ્તૃત માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને રવિવારે રાતના ૩.૩૮ વાગ્યે ફોન આવ્યો હતો. અમે તરત જ એપીએમસીની મસાલા માર્કેટમાં પહોંચી ગયા હતા. જોકે ત્યાં ગયા પછી આગ ઓલવવા માટે માર્કેટમાં પાણીની વ્યવસ્થા જ નહોતી. આથી અમારે કોપરખૈરણેથી પાણીનાં ટૅન્કરો મગાવવાં પડ્યાં હતાં. ત્યાર બાદ અમે આગ ઓલવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જોકે ગોડાઉનમાં નીચે-ઉપર બધે જ ડ્રાયફ્રૂટ્સના વેપારીએ કાજુ, બદામ, અખરોટ, પિસ્તાનો મોટા પ્રમાણમાં સંગ્રહ કર્યો હતો. આથી પાણીથી આગ ઓલવાતી જ નહોતી. આખરે અમારે ફોમનો ઉપયોગ કરવો પડ્યો હતો. એને લીધે અમને આગ ઓલવવામાં સફળતા મળી હતી. અખરોટના મોટા જથ્થાને કારણે થોડી-થોડી વારે આગ ફાટી નીકળતી હતી. ડ્રાયફ્રૂટ્સને લીધે આગના કાળા ધુમાડાના ગોટેગોટા અમારા કામમાં અવરોધક બનતા હતા. અમારા બે ફાયરમેનને આ ધુમાડાને લીધે ગૂંગળામણ થઈ હતી અને તેમનું ઑક્સિજન લેવલ ઘટી ગયું હતું. જોકે હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ તેઓ પાછા ફરજ પર આવી ગયા હતા. આમ આ આગ ઓલવવામાં અમને ઘણીબધી વસ્તુઓનો સામાનો કરવો પડ્યો હતો.’
ગોડાઉનમાં જગ્યા સાંકડી
ગોડાઉનમાં જગ્યા બહુ જ સાંકડી હતી એમ જણાવીને રોહન કોકાટેએ કહ્યું હતું કે ‘ગોડાઉનમાં પહેલા માળે જવાની સીડી પણ ખૂબ જ સાંકડી હતી. આથી અમને નીચે-ઉપર થવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. અમે અમુક ભાગોમાં તો પહોંચી પણ શકતા નહોતા. ગોડાઉનમાં અખરોટનો સંગ્રહ બહુ મોટા પ્રમાણમાં હતો જેને કારણે આગ જલદી ઓલવાતી નહોતી.’
બે ફાયર એક્સ્ટિંગ્વિશર હતાં
રોહન કોકાટેએ કહ્યું હતું કે ‘અમને વેપારીએ આપેલી માહિતી પ્રમાણે તેમની પાસે ગોડાઉનમાં બે ફાયર એક્સ્ટિંગ્વિશર છે, પણ એ કેવી રીતે ચલાવવાનું એ કોઈને આવડતું નહોતું. જોકે આટલી મોટી આગમાં આ બે ફાયર એક્સ્ટિંગ્વિશર વ્યર્થ હતાં. ડ્રાયફ્રૂટ્સના ગોડાઉનમાં વ્યવસ્થિત આગ ઓલવવામાં સાધનો હોવાં જરૂરી છે. આ માર્કેટ બહુ જ જૂની હોવાથી એ સમયમાં આ માર્કેટમાં ફાયર ઇક્વિપમેન્ટ્સની કોઈ જ સુવિધા ઊભી કરવામાં આવી નથી.’
સમયસર જાગવાની જરૂર
મસાલાબજારમાં બધી જ આઇટમો જ્વલનશીલ હોવાથી આ માર્કેટમાં ફાયર ઇક્વિપમેન્ટ્સની સુવિધા ઉપલબ્ધ કરવી અત્યંત જરૂરી છે એમ જણાવીને રોહન કોકાટેએ કહ્યું હતું કે ‘આ આગ પછી આ માર્કેટના વેપારીઓએ અને એપીએમસીના સંચાલકોએ જાગવાની જરૂર છે. આ આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પણ જો અત્યારે વેપારીએ જાગશે નહીં તો ગમે ત્યારે તેમને મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડશે. અમે અત્યારે તો ફક્ત આ આગનો રિપોર્ટ આપીશું, પણ ત્યાર પછી અમે તેમને આગ લાગ એ પહેલાં શું પગલાં લેવાં જોઈએ એની સૂચના પણ આપીશું.’
વેપારીઓ શું કહે છે?
અમે ફાયર બિગ્રેડ અને ઍમ્બ્યુલન્સની માગણી વર્ષોથી કરી રહ્યા છીએ એમ જણાવતાં એપીએમસીની મસાલાબજારના ડિરેક્ટર વિજય ભુતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલાં તો અમે સોમવારે ‘એચ’ વિંગના ગાળા-નંબર ૨૨ની દીવાલો અને બારીઓ તોડીને ફાયર બ્રિગેડને આગ ઓલવવામાં સરળતા પડે એવી બધી જ સુવિધાઓ કરી આપી હતી. એપીએમસીમાં પાણી નથી, પણ મહાનગરપાલિકા એના સમયે પાણી આપે છે. એમાં કોઈ શંકા નથી કે આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડે પાણીનાં ૧૫થી ૨૦ ટૅન્કરો મગાવવાં પડ્યાં હતાં. બાકી અમારી માર્કેટ ૧૯૮૫માં સિડકોએ બનાવી ત્યારે અમને પોલીસ-સ્ટેશન માટે એક જગ્યા આપી હતી. એના સિવાય કોઈ પ્રૉપર સુવિધા અમને આપવામાં આવી નથી. અમારી પાંચમાંથી એક પણ માર્કેટમાં ફાયર ઇક્વિપમેન્ટ્સની સુવિધા આપવામાં આવી નથી. અમારી માર્કેટમાં રોજ લાખો લોકોની અવરજવર હોય છે એ ધ્યાનમાં રાખીને અમે અમારી માર્કેટમાં ફાયર બ્રિગેડ અને ઍમ્બ્યુલન્સની અનેક વાર માગણી કરી છે, પણ હવે તેમની પાસે માર્કેટમાં જગ્યા જ નથી. માર્કેટ એટલી બધી જૅમ હોય છે કે ફાયર બ્રિગેડ અને ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી શકશે કે નહીં એના પર પણ શંકા છે.’