અદાણી ગ્રુપ કરશે ધારાવીની કાયાપલટ

30 November, 2022 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્ય સરકારે બહાર પાડેલા ટેન્ડરમાં ૫૦૬૯ કરોડની રકમ ભરીને બાજી મારી : બીજા ક્રમે ગુરુગ્રામની ડીએલએફ કંપનીએ ૨,૦૨૫ કરોડનું ટેન્ડર ભર્યું હતું

ફાઇલ તસવીર

છેલ્લાં પંદર વર્ષથી એશિયાની સૌથી ગીચ અને મોટી ઝૂંપડપટ્ટીમાં સ્થાન ધરાવતી ધારાવી ઝૂંપડપટ્ટીના ક્લસ્ટર રીડેવલપમેન્ટનો મુદ્દો ચર્ચાઈ રહ્યો હતો. આખરે એનો અંત આવ્યો છે. ધારાવીના રીડેવલપમેન્ટનો કૉન્ટ્રૅક્ટ અદાણી ગ્રુપે અંકે કરી લીધો છે. રાજ્ય સરકારે બહાર પાડેલા ટેન્ડરમાં અદાણી ગ્રુપે ૫,૦૬૯  કરોડ રૂપિયાની રકમ ભરી આ કૉન્ટ્રૅક્ટ મેળવ્યો છે. ટેન્ડર ભરવામાં બીજા ક્રમે ગુરુગ્રામની ડીએલએફ કંપની હતી. એણે ૨,૦૨૫ કરોડ રૂપિયાનું ટેન્ડર ભર્યું હતું. નમન ગ્રુપ દ્વારા ભરાયેલા ટેન્ડરને ટેક્નિકલ બાબતોના આધારે ઍક્સેપ્ટ નહોતું કરાયું.  

છેલ્લાં પંદર વર્ષથી રાજ્ય સરકાર ધારાવી રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ પાર પાડવા પ્રયાસ કરી રહી હતી. ઘણી વાર ટેન્ડર બહાર પાડ્યા છતાં પણ વર્કઆઉટ નહોતું થઈ રહ્યું. એ પછી રાજ્ય સરકારે ૨૦૧૯માં ધારાવી રીડેવલપમેન્ટ માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યું હતું, પણ એ વખતે કોઈ બિડ મળી નહોતી. એથી ફરી એક વખત પહેલી ઑક્ટોબર ૨૦૨૨ના રોજ ગ્લોબલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ રીડેવલપમેન્ટ માટે ભારત સહિત યુએઈ અને સાઉથ કોરિયાની કુલ મળીને આઠ કંપનીઓએ રસ દાખવ્યો હતો. જોકે એ પછી માત્ર ત્રણ જ કંપનીઓએ બિડ ભરી હતી.  

ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર એસવીઆર શ્રીનિવાસે કહ્યું હતું કે ‘અમને આ બાબતે ત્રણ બિડ મળી હતી. એમાંથી અદાણી અને ડીએલએફની બિડ સ્વીકારાઈ હતી, જ્યારે નમન ગ્રુપની બિડ ટેક્નિકલ બાબતોને લઈને રદ કરાઈ હતી. અમે હવે આ બાબતે રાજ્ય સરકાર સાથે બાકીની મંજૂરીઓ અને પરવાનગી બાબતે સ્પેશ્યલ પર્પઝ વેહિકલ માટે આગળ વાટાઘાટો કરીશું.’  

૩૦૦ એકરમાં ફેલાયેલી ધારાવીમાં અનેક લઘુ ઉદ્યોગો અને કારખાનાં આવેલાં છે જેમાં મુખ્યત્વો ગાર્મેન્ટ મૅન્યુફૅક્ચરિંગ અને લેધર પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. મૂળ ૨૦,૦૦૦ કરોડના આ પ્રોજેક્ટ માટે જે કંપની શરૂઆતમાં સૌથી વધુ રકમનું રોકાણ કરી શકે એને આ કૉન્ટ્રૅક્ટ આપવાનું નક્કી કરાયું હતું. રાજ્ય સરકારની એવી ગણતરી છે કે આ આખો પ્રોજેક્ટ ૧૭ વર્ષમાં પૂરો થાય અને એના રહેવાસીઓનું પુનર્વસન સાત વર્ષમાં કરાય. ધારાવી રીડેવલપમેન્ટના આ પ્રોજેક્ટને કારણે માર્કેટમાં ૧૦ લાખ સ્ક્વેરફુટ જગ્યા અવેલેબલ થશે. 

mumbai mumbai news dharavi gautam adani