નવ રંગના ખાડાઓમાં શરમનો રંગ કયો?

20 September, 2022 09:31 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

નવરાિત્રમાં નવ દિવસના કલર પ્રમાણે ખાડાઓને રંગીને વિરોધ કરવાની તૈયારીઓ થઈ રહી છે : જોકે આમાંથી બીએમસી કયા રંગથી શરમાઈને રસ્તાઓ સારા બનાવે છે એ તો જોવું જ રહ્યું

મુંબઈના રસ્તાઓ પરના ખાડા નવરાત્રિના આ કલર પ્રમાણે રંગેલા જોવા મળશે અને એ રીતે લોકો ખાડાના ત્રાસનો વિરોધ કરશે.

મુંબઈના અનેક વિસ્તારોના રસ્તાઓ સાથે હાઇવે જેવા મહત્ત્વના રસ્તાઓ પર પણ ખાડા જોવા મળે છે. આવા ખાડાથી કંટાળેલા લોકોએ અનેક વાર એનો વિરોધ કર્યો છે અને વહીવટી તંત્રમાં ફરિયાદ પણ કરી છે, પરંતુ એમાં કોઈ બદલાવ જોવા મળતો ન હોવાથી હવે નવરાત્રિમાં ખાડાની સમસ્યા સામે અનોખી રીતે વિરોધ જોવા મળવાનો છે. નવરાત્રિના નવ દિવસ આવતા કલરના હિસાબે અંધેરીની સામાજિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો રસ્તા પરના વિવિધ વિસ્તારોના ખાડામાં એ પ્રમાણેનો કલર કરીને ખાડા ભરશે.

આ વિશે માહિતી આપતાં વૉચડૉગ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ગૉડફ્રે પિમેન્ટાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આખા મુંબઈમાં ખાડાની સમસ્યાથી મુંબઈવાસીઓ કંટાળી ગયા છે એટલે તેમના વતી અમે અને બૉમ્બે ઈસ્ટ ઇન્ડિયન અસોસિએશન નવરાત્રિ ઉત્સવની અનોખી રીતે ઉજવણી કરવાના છીએ. એ અનુસાર નવરાત્રિના કલર્સની ગાઇડ મુજબ ખાડાઓને રંગીને આગામી નવરાત્રિ ઉત્સવની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. જેમ કે તહેવારનો પ્રથમ દિવસ ૨૬ સપ્ટેમ્બરે રહેશે તો એ દિવસે સફેદ રંગ ખાડાઓ પર ભરવામાં આવશે. બીજા દિવસે ૨૭ સપ્ટેમ્બરે લાલ રંગથી ખાડાને રંગવામાં આવશે. આમ નવરાત્રિના નવેનવ દિવસ તમને ખાડાઓ વિવિધ રંગથી રંગેલા જોવા મળશે. અમે મુંબઈકરોની દુર્દશાને ઉજાગર કરવા માટે આ રીતે આ તહેવારની ઉજવણી કરવા માટે તમામ મુંબઈકરોને વિનંતી કરીશું. આ ઉપરાંત અમે મુંબઈકરોને નવ દિવસ રોજેરોજ રંગીન ખાડાઓના ફોટોગ્રાફ્સ લેવા અને કૉર્પોરેશનના ‘માય બીએમસી’ના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ અને અન્ય સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ટ્વીટ કરવાની પણ વિનંતી કરીશું. અમને આ જાહેર જોખમનો કાયમી ઉકેલ જોઈએ છે. દર વર્ષે કરોડો રૂપિયા રસ્તાઓને બનાવવા અને ખાડાને ભરવા માટે ખર્ચાતા હોય છે. એ સિવાય ઈંધણનો બગાડ, ટ્રાફિક જૅમ, જાનહાનિ વગેરેનો પણ લોકોએ સામનો કરવો પડે છે.’

mumbai mumbai news brihanmumbai municipal corporation preeti khuman-thakur