02 January, 2022 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
સેન્ટ્રલ રેલવે દ્વારા હાર્બર લાઇનમાં પણ એસી લોકલ ટ્રેન દોડાવવાનો ગઈ કાલે નિર્ણય લેવામાં આવ્યો હતો. આવતી કાલથી સીએસએમટી એટલે કે વીટી સ્ટેશનથી ગોરેગામ-વાશી-પનવેલ અને બાંદરા સુધી ૧૬ સર્વિસ દોડાવવામાં આવશે. સોમવારથી શનિવાર સુધી આ લોકલ ટ્રેન એસી હશે, જ્યારે રવિવારે નૉન-એસી રહેશે.સેન્ટ્રલ રેલવેએ ગઈ કાલે જારી કરેલી અખબારી યાદીમાં જણાવાયું હતું કે સેન્ટ્રલ રેલવે દ્વારા મેઇન સેન્ટ્રલ અને ટ્રાન્સ-હાર્બર લાઇનમાં એસી લોકલ ટ્રેન દોડાવવાની શરૂઆત કર્યા બાદ હવે હાર્બર લાઇનમાં પણ એસી લોકલ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાન્સ-હાર્બર લાઇનમાં અત્યારે દોડાવાતી ૧૬ એસી લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ ઓછી રહેતી હોવાથી આ ટ્રેનોને આવતી કાલથી નૉન-એસી કરવામાં આવી છે. ડિસેમ્બર ૨૦૨૧માં પણ દરરોજ ૫૩ પ્રવાસીઓની સરેરાશથી ફક્ત ૧૦૫૨ લોકોએ જ મુસાફરી કરી હતી. આથી ટ્રાન્સ-હાર્બર લાઇનમાં અત્યારે ચલાવાતી ૧૬ એસી સર્વિસને સીએસએમટીથી ગોરેગામ, વાશી, પનવેલ અને બાંદરા રૂટ પર વાળવામાં આવી છે.