11 October, 2026 08:56 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પુણેના વાડગાવ શેરી વિસ્તારના સોમનાથનગરમાં માથા નીચે ઇલેક્ટ્રિક હૉટ વૉટર બૅગ રાખીને સૂતેલા ૩૦ વર્ષના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) એન્જિનિયરનું વીજળીનો કરન્ટ લાગવાથી મૃત્યુ થયું હતું.
અકસ્માતે જીવ ગુમાવનાર રોહન કુબાડી ૩૦ વર્ષનો હતો. તે અપરિણીત ટેક પ્રોફેશનલ હતો અને છેલ્લા ૩ મહિનાથી સોમનાથનગરમાં ભાડાના અપાર્ટમેન્ટમાં એકલો રહેતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના મંગળવારે બની હોવાની શંકા છે, પરંતુ એ બે દિવસ બાદ ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બંધ રૂમમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. એથી પાડોશીઓએ ઘરમાલિકને જાણ કરી હતી. ઘરમાલિકે રોહનને ઘણાબધા ફોન કર્યા પણ તે જવાબ નહોતો આપી રહ્યો. એથી આખરે ઘરમાલિકે દરવાજો ખોલ્યો ત્યારે પથારી પર તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની લાશ ફૂલી ગઈ હતી અને સડવા લાગેલી.
આ વિશે પુણેની ચંદનનગર પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જણાયું છે કે ખામીયુક્ત ઇલેક્ટ્રિક હૉટ વૉટર બૅગમાંથી વીજળીનો આંચકો લાગવાને કારણે તેનું મૃત્યુ થયું હતું.