06 February, 2023 08:37 AM IST | Mumbai | Bakulesh Trivedi
ઍક્સિડન્ટ એટલો ભયાનક હતો કે ફાયર-બ્રિગેડને વેદાંત ચમારિયા અને દેવાંશી યાજ્ઞિકને બહાર કાઢવામાં બહુ જ તકલીફ પડી હતી.
મુંબઈ : ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભાંડુપ પમ્પિંગ સ્ટેશન અને મુલુંડ વચ્ચે મધરાત બાદ ૨.૩૦થી ૨.૪૫ વાગ્યા દરમિયાન ઘાટકોપરથી મુલુંડ તરફ પૂરઝડપે જઈ રહેલી સફેદ રંગની આઇ-૨૦ (એમએચ ૪૩-બીકે-૨૧૨૮) કારનો અકસ્માત થયો હતો. સદનસીબે એમાં પ્રવાસ કરી રહેલાં વેદાંત ચમારિયા અને દેવાંશી યાજ્ઞિક બચી ગયાં છે. કાર એ હદે ચગદાઈ ગઈ હતી કે એમાંથી બચવું એ મિરૅકલ જ કહી શકાય.
મુલુંડના ગુજરાતી રિયલ એસ્ટેટ બ્રોકર એ સમયે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે અકસ્માત જોઈને તરત જ તેમની કાર ઊભી રાખી હતી અને ઊતરીને તપાસ કરી હતી. અન્ય વાહનચાલકો પણ ત્યાં મદદ માટે આવી પહોંચ્યા હતા; પણ કોઈ મદદ કરી શકે એમ નહોતું, કારણ કે કાર બહુ ખરાબ રીતે ડૅમેજ થઈ હતી.
એસ્ટેટ બ્રોકરે ‘મિડ-ડે’ને માહિતી આપતાં કહ્યું હતું કે ‘એ કાર જે યુવાન ચલાવી રહ્યો હતો તે બહુ સ્પીડમાં ચલાવી રહ્યો હતો. તેણે પહેલાં ડાબી સાઇડ હાઇવે અને સર્વિસ રોડ પરના ડિવાઇડર પર કાર ચડાવી દીધી હતી. એ પછી કાર ઊછળીને વૃક્ષ સાથે અથડાઈ હતી અને પછી નીચે પટકાઈ હતી. બહુ ખરાબ રીતે અકસ્માત થયો હતો. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને કરવામાં આવતાં જ ભાંડુપ ફાયર બ્રિગેડનાં ફાયર એન્જિન ઘટનાસ્થળે ધસી આવ્યાં હતાં. પોલીસ પણ આવી પહોંચી હતી. કાર ચલાવી રહેલા યુવાનની સાઇડ પરની ઍરબૅગ ખૂલી ગઈ હતી અને તે ઍરબૅગ અને સીટની વચ્ચે ફસાઈ ગયો હતો, જ્યારે ડ્રાઇવરની બાજુની પિલિયન સીટ પર બેસેલી યુવતી ઊછળીને પાછળની તરફ ડિકીમાં જઈને ફસાઈ હતી. બંનેની ઉંમર અંદાજે ૨૪-૨૫ વર્ષની લાગી રહી હતી. યુવતીને ગંભીર ઈજા થઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આખો દરવાજો જે ચૅશિશમાં ચાલ્યો ગયો હતો અને અટવાઈ ગયો હતો એ કાપીને યુવાનને બહાર કાઢવો પડ્યો હતો, જેમાં દોઢ કલાક જેટલો સમય લાગી ગયો હતો. ડિકીનો દરવાજો પણ કાપીને યુવતીને બહાર કઢાઈ હતી અને તેને મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી. એ પછી યુવાનને પણ બહાર કાઢીને તેને પણ ફૉર્ટિસ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. બંને જણે સીટ-બેલ્ટ નહોતા પહેર્યા, પણ એ બેલ્ટ પાછળથી ફેરવીને એના હુક સૉકેટમાં નાખી રાખ્યા હતા, જેથી એનો કૉન્સ્ટન્ટ બિપ-બિપ સાઉન્ડ વાગ્યા ન કરે. એથી યુવાન તરફની ઍરબૅગ ખૂલી ગઈ હતી અને તે ત્યાં જ સીટ પર ફસાઈ ગયો હતો, જ્યારે યુવતી કાર ઝાડ સાથે અથડાતાં ડિકીમાં પટકાઈ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડે બહુ જ કાળજીપૂર્વક તેમને બહાર કાઢીને બચાવ્યાં હતાં.’