13 January, 2026 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (WEH)ના વાકોલા ફ્લાયઓવર પર ગેરકાયદે ઘોડાગાડી દોડાવનારનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. મુંબઈમાં ઘોડાગાડી પર પ્રતિબંધ હોવા છતાં ભારે ટ્રાફિકવાળા રસ્તા પર સ્પીડમાં ઘોડાગાડી દોડાવવા બદલ પણ લોકોએ આ વિડિયોને વખોડ્યો હતો. મુંબઈ પોલીસ અને મુંબઈ ટ્રાફિક પોલીસને ટૅગ કરીને એક સોશ્યલ મીડિયા યુઝરે આ વિડિયો પોસ્ટ કર્યો હતો. ઓછામાં ઓછી ૪ વ્યક્તિ બેદરકારીથી ગાડી પર સવારી કરતી જોઈ શકાય છે. સ્પીડમાં દોડતી ઘોડાગાડી વાહનોને ન ભટકાય એટલે અનેક વાહનચાલકો સતત હૉર્ન મારતા સંભળાય છે, પણ ઘોડાગાડી પર બેઠેલા લોકો બેફિકર દેખાય છે અને કૅમેરા સામે પોઝ પણ આપે છે. વાઇરલ પોસ્ટના જવાબમાં મુંબઈ ટ્રાફિક પોલીસે વાકોલા ટ્રાફિક વિભાગને જરૂરી કાર્યવાહીની જાણ કરી હોવાનું જણાવ્યું હતું.