ઝેપ્ટોનો આવો ઉપયોગ કરવાનું તો કોઈએ નહીં વિચાર્યું હોય

11 February, 2026 07:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બહેનનો ફોન સ્વિચ્ડ-ઑફ હતો અને તેની ફ્લાઇટ મિસ ન થાય એટલે ભાઈએ મધરાતે ૩.૩૦ વાગ્યે ઝેપ્ટો દ્વારા ડિલિવરી કરાવડાવીને તેને ઉઠાડી, ઝેપ્ટોના કો-ફાઉન્ડરે કરી ડિલિવરી-બૉયની પ્રશંસા

પ્રતીકાત્મક તસવીર

ઝેપ્ટો ડિલિવરી માટે જાણીતી ઍપ છે, પણ ફ્લાઇટ પકડવામાં ઝેપ્ટો કામ લાગી શકે એવું કોઈએ નહીં વિચાર્યું હોય. મુંબઈના એક ભાઈએ ઝેપ્ટો-ડિલિવરીની મદદથી બહેનની ફ્લાઇટ મિસ થતી રોકી અને આ સ્ટોરીની ઝેપ્ટોના કો-ફાઉન્ડરે પણ નોંધ લીધી.

સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને રિષભ અગ્રવાલે આખો કિસ્સો શૅર કર્યો હતો. તેમની પોસ્ટ મુજબ ‘સવારે ૬ વાગ્યે ફ્લાઇટ પકડવાની હતી અને ૩ વાગ્યા સુધી મારી બહેન સૂતી હતી. મમ્મીએ તેને જગાડવાની કોશિશ કરી, પણ તેનો ફોન સ્વિચ્ડ-ઑફ આવતો હતો એટલે અમે ચિંતામાં મુકાયાં. ૩.૧૫ વાગ્યા હતા. હું પરેલથી તેને ઉઠાડવા પવઈ જઉં તો ૪૦ મિનિટ લાગે. એટલે મેં આઇડિયા વિચાર્યો. ૩.૨૦ વાગ્યે ઝેપ્ટો પર એક ઑર્ડર કર્યો, ઍક્સેપ્ટ થયો એટલે ઝેપ્ટોના ડિલિવરી-બૉયને પરિસ્થિતિ સમજાવી. વિકાસભાઈ નામના ડિલિવરી-બૉયે બહેનના ઘરે પહોંચ્યા ત્યાં સુધી ફોન પર વાત ચાલુ રાખી અને ૩.૩૦ વાગ્યે ઑર્ડર પહોંચાડ્યો એટલે મારી બહેન ઊઠી ગઈ. ઑનટાઇમ ડિલિવરી સાથે બધું બરાબર છે કે નહીં એની પણ ખાતરી કરી આપી અને મારી બહેનની ફ્લાઇટ મિસ થતી રોકી શકાઈ.’ 

રિષભે ઝેપ્ટોના કો-ફાઉન્ડર્સને ટૅગ કરીને આટલું અદ્ભુત પ્લૅટફૉર્મ બનાવવા બદલ ખૂબ-ખૂબ આભાર કહ્યું હતું. આ લિન્ક્ડઇન પોસ્ટ પર ઝેપ્ટોના એક્ઝિક્યુટિવે રિપ્લાય આપ્યો હતો કે ‘ડિલિવરી-પાર્ટનર વિકાસભાઈ થકી અમે તમને મદદ કરી શક્યા એ વાતનો આનંદ છે. અમને વિકાસભાઈ પર ગર્વ છે કે તેમણે ગ્રાહકની અપેક્ષા પૂરી કરી.’અનેક યુઝર્સે આ સ્ટોરી અને ડિલિવરી-બૉયના કામની પ્રશંસા કરી હતી.

mumbai news mumbai social media social networking site