18 February, 2024 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આગને કારણે થયેલું નુકસાન
ગોવંડીના બૈંગનવાડી વિસ્તામાં આવેલા આદર્શનગરમાં શનિવારે મધરાત બાદ ૩.૫૫ વાગ્યે ભયાનક આગ ફાટી નીકળી હતી. ભારે જહેમત બાદ સવારે ૮.૫૫ વાગ્યે એના પર કાબૂ મેળવી શકાયો હતો.
બીએમસીના જણાવ્યા મુજબ આદર્શનગર રોડ-નંબર ૩ પર આવેલા એક માળનાં ૧૦થી ૧૫ સ્ટ્રક્ચર્સમાં આ આગ લાગી હતી. એક ઘરમાં આગ લાગ્યા બાદ બહુ ઝડપથી અન્ય ઘરોમાં ફેલાઈ હતી. આ આગમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રૉનિક્સ વસ્તુઓ, ઘરનો સામાન, કપડાં, ફર્નિચર સાથે ઘરનાં છાપરાં તરીકે નાખવામાં આવેલી ઍક્રિલિક શીટ્સ, પ્લાસ્ટિકની શીટ્સ અને ગૅસનાં સિલિન્ડર બળી ગયાં હતાં. ગૅસનાં સિલિન્ડર ફાટી રહ્યાં હોવાથી ધડાકા થતા હતા. સ્થાનિક રહેવાસીઓ દ્વારા જે પણ વાસણ હાથમાં આવ્યું એમાં પાણી ભરી આગ પર છાંટી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરાઈ રહ્યા હતા. બાળકો અને મહિલાઓ પોતાનાં ઘર નજર સામે બળીને ખાખ થઈ જતાં ગમગીનીમાં સરી પડ્યાં હતાં. ત્યાં ઝાડુ બનાવવાના કેટલાક ગૃહઉદ્યોગ પણ હતા. આગમાં ઝાડુ બનાવવાનું મટીરિયલ પણ બળી ગયું હતું. આ આગની ઝપટમાં પાર્ક કરાયેલી કેટલીક રિક્ષાઓ પણ આવી ગઈ હતી. ૫૦૦૦ સ્ક્વેર ફુટમાં આગ ફેલાઈ હોવાથી અનેક ઘર અને નાના ઉદ્યોગો એની ઝપટમાં આવી ગયાં હતાં.
આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત લેવાઈ રહી હતી. આખરે મધરાત બાદ ચાર વાગ્યે લાગેલી આગ પર પાંચ કલાક બાદ સવારે નવ વાગ્યે કાબૂ મેળવી શકાયો હતો. એ દરમ્યાન અનેક લોકોનાં ઘર અને મકાન બળીને ખાખ થઈ ગયાં હતાં. જોકે આ આગમાં જાનહાનિના કે કોઈના જખમી થવાના અહેવાલ નથી.