15 June, 2024 09:16 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પુણેમાં પૉર્શેકાંડ બાદ ડ્રન્કન ડ્રાઇવિંગનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે જેમાં દારૂ પીધેલા ડ્રાઇવરે તેનું સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ (SUV) પૂરઝડપે ચલાવીને કરેલા અકસ્માતમાં ચાર જણ ઘાયલ થયા હતા. જોકે તેમની ઈજાઓ ગંભીર નથી. હાલ તેમને હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.
અકસ્માતની આ ઘટના ગુરુવારે પિંપરી-ચિંચવડના જગતાપ ડેરી ચોકમાં બની હતી. ૨૧ વર્ષનો ડ્રાઇવર દારૂની અસર હેઠળ હતો. તેણે SUV પૂરઝડપે ચલાવીને બૅરિકેડ્સ સાથે અથડાવી દીધું હતું. એને કારણે તેના SUVનું વ્હીલ છૂટું પડી ગયું હતું અને એ રિક્ષા સાથે અથડાયું હતું. એ રિક્ષામાં ચાર જણ હતા જેઓ આ ઘટનામાં ઘાયલ થયા હતા એમ પિંપરીના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ વિશાલ હીરેએ જણાવ્યું હતું. પોલીસે દારૂ પીને ડ્રાઈવિંગ કરીને અકસ્માત કરનાર ડ્રાઇવર સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.