મેટ્રો 2Bના સ્ટેશન સાથે કનેક્ટેડ બ્રિજ ડાયરેક્ટ ડાયમન્ડ માર્કેટમાં એન્ટ્રી આપશે

22 July, 2026 07:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BKCના ભારત ડાયમન્ડ બુર્સમાં આવતા હજારો વેપારીઓને ફાયદો થશે

મુંબઈની ડાયમન્ડ માર્કેટ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)ના ભારત ડાયમન્ડ બુર્સમાંથી ઑપરેટ થાય છે.

મુંબઈની ડાયમન્ડ માર્કેટ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)ના ભારત ડાયમન્ડ બુર્સમાંથી ઑપરેટ થાય છે. એના વેપારીઓ, દલાલભાઈઓ તથા વિવિધ ઑફિસોમાં કામ કરતા કર્મચારીઓ માટે સારા સમાચાર છે. દહિસર-ઈસ્ટથી શરૂ થઈ લિન્ક રોડથી ડી. એન. નગર, ત્યાંથી બાંદરા અને ત્યાંથી BKC થઈને ચેમ્બુરના મંડાળે સુધી દોડનારી મેટ્રો 2Bના BKCના પ્રસ્તાવિત (IL&FS) સ્ટેશનથી ડાયરેક્ટ ભારત ડાયમન્ડ બુર્સમાં જવા માટે કનેક્ટર બ્રિજ બનાવવામાં આવશે. એથી રોજેરોજ ભારત ડાયમન્ડ બુર્સમાં આવતા હજારો લોકોને ફાયદો થશે. 

આ બાબતે માહિતી આપતાં ભારત ડાયમન્ડ બુર્સના વાઇસ-પ્રેસિડન્ટ મેહુલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લાસ્ટ માઇલ કનેક્ટિવિટી માટે મેટ્રો તરફથી આ સગવડ ઑફર કરવામાં આવે છે. એથી અમે પણ એ માટે તૈયારી બતાવી છે અને પ્રસ્તાવ આપ્યો છે. મેટ્રો 2Bનું પ્રસ્તાવિત IL&FS સ્ટેશન બુર્સથી નજીક જ છે. એથી અમે સ્ટેશનથી ડાયરેક્ટ બુર્સમાં એન્ટ્રી લઈ શકાય એ માટે કનેક્ટર બ્રિજની પ્રપોઝલ મૂકી છે. જો આ સુવિધા મળે તો એ બ્રિજથી ડાયરેક્ટ બુર્સમાં આવી-જઈ શકાશે. એ બ્રિજના બુર્સના એન્ડ પર અમારી સિક્યૉરિટી ચેક હશે જે બુર્સનું કાર્ડ ધરાવતી વ્યક્તિને એ કાર્ડ ચેક કરીને એન્ટ્રી આપશે. મેટ્રોનું કામ ચાલુ થશે ત્યારે સાથે-સાથે અમારા એ કનેક્ટર બ્રિજનું કામ પણ ચાલુ થશે. મૂળમાં એનાથી એક કરતાં વધુ પર્પઝ સર્વ થાય એમ છે. એક તો બુર્સની વ્યક્તિને સેફ્ટી મળશે અને મેટ્રોમાંથી સીધા બુર્સમાં આવી શકશે. બીજું, તડકામાં કે વરસાદમાં પણ આવવા-જવામાં આસાની રહેશે. ત્રીજું, જો મેટ્રોની ફૅસિલિટી મળતી થશે તો લોકો પોતાની પર્સનલ કાર ટ્રાફિકમાં ડ્રાઇવ કરીને લાવવાનું ટાળશે. નરેન્દ્ર મોદી કહે જ છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ને વધુ ઉપયોગ કરો, પણ એ માટે લોકોને પૂરતી કનેક્ટિવિટી મળવી જોઈએ એ જરૂરી છે. મેટ્રોથી એ પર્પઝ પણ સર્વ થઈ શકશે.’

અમે કનેક્ટર બ્રિજની ફૅસિલિટી ઑફર કરીએ છીએ : MMRDAનાં પ્રવક્તા સ્વાતિ લોખંડે

મેટ્રો 2B બનાવનાર મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)નાં પ્રવક્તા સ્વાતિ લોખંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જો મેટ્રો સ્ટેશનની બાજુમાં જ તમારું હાઉસિંગ કૉમ્પ્લેક્સ કે ઑફિસ કૉમ્પ્લેક્સ આવ્યું હોય તો અમે આ કનેક્ટર બ્રિજની ફૅસિલિટી ઑફર કરીએ છીએ. બોરીવલી-ઈસ્ટમાં મેટ્રો 7માં સ્કાયસિટી મૉલને એ ફૅસિલિટી આપવામાં આવી છે અને એ ઑલરેડી લોકો વાપરી રહ્યા છે. આ જ પ્રકારની ફૅસિલિટી વિક્રોલીમાં ગોદરેજ કંપનીએ પણ માગી છે અને BKCમાં ભારત ડાયમન્ડ બુર્સની પ્રપોઝલ પણ આવી છે. મેટ્રો 2Bના સ્ટેશનને ડાયમન્ડ માર્કેટથી જોડવા અંદાજે ૬૦૦ મીટરનો કનેક્ટર બ્રિજ બનાવવાનો પ્લાન છે. આ ફૅસિલિટી આપવા માટે અમે ૧૦ કરોડ રૂપિયા ચાર્જ કરીએ છીએ અને એ કનેક્ટર બ્રિજ બનાવવાનો ખર્ચ પણ સામેવાળી પાર્ટીએ ઉઠાવવાનો હોય છે.’                           

mumbai news mumbai diamond market bandra kurla complex bharat diamond burse mumbai metropolitan region development authority