દક્ષિણ મુંબઈના વેપારીઓને મિલિંદ દેવરા પર વિશ્વાસ

26 April, 2019 12:00 PM IST  |  મુંબઈ

દક્ષિણ મુંબઈના વેપારીઓને મિલિંદ દેવરા પર વિશ્વાસ

ફાઈલ ફોટો

દક્ષિણ મુંબઈની લોકસભાની બેઠક પર ગઈ ચૂંટણીની જેમ આ વખતે પણ કૉન્ગ્રેસ અને શિવસેના વચ્ચે મુકાબલો છે. વેપારીઓ સાથેની વાતચીતમાં હીરાના વેપારી ભરત શાહે કહ્યું હતું કે કૉમર્સ, વેપાર અને ટ્રેડિંગમાં શિવસેનાની ચાંચ બહુ ન ડૂબે. ભારતીય જનતા પાર્ટી થોડુંઘણું આ વિશે સમજે છે. કૉન્ગ્રેસ અને એના નેતા મિલિંદ દેવરા જેવા પ્રતિનિધિ આ મામલે સૌથી વધુ જાણકારી ધરાવે છે એથી આપણે સૌએ તેમને જ આ ચૂંટણીમાં ચૂંટવા જોઈએ એવો મત ભરતભાઈએ વ્યક્ત કર્યો હતો.

ભરત શાહનો આ બાબતનો હીરાના વેપારીઓ તથા અન્યોને સંબોધીને અપીલ કરતો વિડિયો ફરી રહ્યો છે જે ખૂબ જ મોટા પાયે સક્યુર્લેટ થઈ રહ્યો છે. મિલિંદ દેવરાના ચૂંટણી-મૅનેજરો કહે છે કે ભરત શાહ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ભાવના ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં કૉમન છે. ભરત શાહે કહ્યું હતું કે ‘અસરકારક લોકપ્રતિનિધિત્વના અભાવે શહેરે દિલ્હીમાં પોતાનો અવાજ છેલ્લાં પાંચ વર્ષમાં ગુમાવી દીધો છે. અગાઉ મુરલીભાઈ અને મિલિંદ દેવરા હતા. શિવસેના અમારી આ ચિંતા વિશે જાણતી નથી.’

વેપારીઓની આ ભાવનાને મિલિંદ દેવરા એન્કૅશ કરવાની કોશિશ કરી રહ્યા છે. મિલિંદ દેવરા તરફથી વેપારી વર્ગના નેતાઓ સાથે વાતચીત કરતાં એક ઇન્ચાર્જે જણાવ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીની સરકારમાં પોતાની ઘણી આશાઓ પર પાણી ફરી વળ્યું હોવાનું અનેક ટ્રેડર અને બિઝેનસમૅને કહ્યું છે. સરકારમાં તેમનું કોઈ સાંભળનાર ન હોવાથી તેમનો અવાજ સાંભળવામાં નથી આવી રહ્યો.’

દક્ષિણ મુંબઈ લોકસભા મતદાર સંઘમાં સમૃદ્ધ, ઉચ્ચ, મિડલ અને લોઅર ક્લાસ તથા ઝૂંપડપટ્ટી મળીને સમાજના તમામ વર્ગના મતદારો વસે છે. મિલની જમીન પર વસતા મરાઠી અને બિનમરાઠીઓ દાયકાઓથી મુંબઈના આર્થિક વિકાસનાં એન્જિન છે. તેમણે ભગવા પક્ષો અને કૉન્ગ્રેસમાંથી કોઈ એકને પસંદ કરવાનું છે. કૉન્ગ્રેસના કોસ્મોપૉલિટન ચહેરા તરીકે મુરલી દેવરાએ જે કામગીરી બજાવી હતી એનો વારસો મિલિંદે સંભાળ્યો છે. તાજેતરમાં તેમને મુંબઈ કૉન્ગ્રેસના અધ્યક્ષ બનાવીને તેમને એનસીપીની એક સહિત કૉન્ગ્રેસની પાંચ બેઠક જીતવાની જવાબદારી સોંપાઈ છે.

દક્ષિણ મુંબઈમાં અનેક માર્કેટ છે; જેમાં કપડાં, હીરા, જ્વેલરી, ફાર્માસ્યુટિકલ, ઇલેક્ટ્રૉનિક્સ, વિદેશી કંપનીઓ તથા અનેક કૉપોર્રેટ કંપનીઓ આવી છે. આ મતદારક્ષેત્રના કુલ 18 લાખ મતદારોમાંથી સાડાત્રણ લાખ મુસ્લિમ મતદારો છે જે પરંપરાગત રીતે કૉન્ગ્રેસ સાથે જ રહેતા આવ્યા છે.

આ પણ વાંચો: શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રીયન વિસ્તારોમાં યોજી રૅલી

મિલિંદ દેવરાના ચૂંટણી-મૅનેજરોને લાગે છે કે લાખો લોકોને રોજગાર પૂરા પાડતા દક્ષિણ મુંબઈમાં રહેતા વેપારી વર્ગની મદદથી શહેરભરના લોકોના મત કૉન્ગ્રેસને મળી શકે છે. બુલિયન માર્કેટના એક વેપારીએ જણાવ્યું હતું કે મોદી સરકારનાં પાંચ વર્ષમાં વેપારી વર્ગને અભૂતપૂર્વ નુકસાન થયું છે. મારી સાથે કામ કરનારા અનેક લોકો બેરોજગાર બન્યા છે. અમને પણ ઘણું નુકસાન થયું છે. સરકાર અમારી વાતને ગંભીરતાથી નથી લેતી. કાલબાદેવી, ભુલેશ્વર, ગુલાલવાડી અને ઝવેરીબજારમાં અમારા મૅન્યુફૅક્ચરિંગ યુનિટની ચીમનીમાંથી નીકળતા ધુમાડાથી વાતાવરણ ખરાબ થતું હોવાનું બહાનું આગળ ધરીને સરકાર અમારો ધંધો બંધ કરાવવા માગે છે. આ નીતિથી આ વ્યવસાયે ખૂબ સહન કરવું પડી રહ્યું.