મુંબઈની ઠંડી ટ્રેનોને પણ નડી

30 December, 2022 10:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધુમ્મસ વધી જવાથી વેસ્ટર્ન રેલવેની ૨૦ લાંબા અંતરની અને ૫૦ સબર્બન ટ્રેનોને અસર થઈ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : મુંબઈ સહિત અન્ય રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધવાથી ધુમ્મસ એટલે કે ફૉગનું પ્રમાણ વધી ગયું છે. ધુમ્મસને કારણે ગુજરાતથી મુંબઈ તરફ આવી રહેલી લાંબા અંતરની ટ્રેનો સહિત મુંબઈની સબર્બન લોકલ ટ્રેનો પણ પ્રભાવિત થઈ છે. વેસ્ટર્ન રેલવેની ચર્ચગેટ તરફ આવતી લોકલ ટ્રેનો ૧૫ મિનિટથી વધુ સમય માટે મોડી દોડવાની સાથે ૫૦ સબર્બન અને ૨૦ લાંબા અંતરની મેલ ટ્રેનો પ્રભાવિત થઈ છે. ટ્રેનો સમય પર ન દોડવાને કારણે સવારના પીક-અવર્સમાં લોકોએ ઑફિસે પહોંચવા પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

વેસ્ટર્ન રેલવેની સબર્બન લાઇન પર ચર્ચગેટ અને વિરારની લોકલ ગઈ કાલે સવારે પીક-અવર્સમાં ૧૫ મિનિટથી વધુ મોડી દોડી રહી હતી. વેસ્ટર્ન રેલવે દ્વારા જાણવા મળ્યું હતું કે વલસાડ-બોઇસર વચ્ચે ધુમ્મસનું પ્રમાણ વધી જવાને કારણે મુંબઈ જતી અને આવતી મેલ-એક્સપ્રેસ ટ્રેનોને ચલાવવા લોકો પાઇલટને સિગ્નલ યોગ્ય રીતે દેખાતાં ન હોવાથી ટ્રેનો સમય કરતાં મોડી દોડી રહી હતી અને એટલે એના શિડ્યુલ પર અસર થઈ છે. વેસ્ટર્ન રેલવેની મોડી પડતી મેલ-એક્સપ્રેસ ટ્રેનોને પ્રાધાન્ય આપવાને કારણે પરિણામે લોકલને અસર થઈ હતી.

વલસાડ-બોઇસર વિસ્તારમાં ધુમ્મસને કારણે બુધવારે રાતે ૧૦.૧૫ વાગ્યાથી ગઈ કાલે સવારે ૯.૧૫ વાગ્યા સુધી વેસ્ટર્ન રેલવેની મુંબઈ સેન્ટ્રલ અને બાંદરા ટર્મિનસથી ઊપડતી અને આવતી મેલ-એક્સપ્રેસ ટ્રેનો મોડી દોડી રહી હતી. એની અસર લોકલ ટ્રેનો પર પડી હતી. મેલ-એક્સપ્રેસ ટ્રેનોને માર્ગ આપવા માટે લોકલ લાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી અપ અને ડાઉન ફાસ્ટ લોકલનું શિડ્યુલ ખોરવાઈ ગયું હતું. એથી ફાસ્ટ લોકલ ટ્રેનોને સ્લો રૂટ પર વાળવાથી આ રૂટ પરની લોકલ ટ્રેનોને પણ અસર થઈ હતી. પરિણામે લોકલ ૧૫થી વધુ મિનિટ મોડી દોડી રહી હતી અને મુસાફરોએ ફરી એક વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

mumbai mumbai news mumbai trains