જેટ ઍરવેઝના કર્મચારીએ આત્મહત્યા કરી

28 April, 2019 09:14 AM IST  |  મુંબઈ | (મિડ-ડે પ્રતિનિધિ)

જેટ ઍરવેઝના કર્મચારીએ આત્મહત્યા કરી

શૈલેન્દ્ર સિંહ

હાલમાં બંધ પડેલી જેટ ઍરવેઝના નાલાસોપારામાં રહેતા ૪૫ વર્ષના એક કર્મચારીએ બિલ્ડિંગના ચોથે માળથી પડતું મૂકીને જીવન ટૂંકાવવાનું અંતિમ પગલું ભર્યું હતું. મૃતક કર્મચારીનું નામ શૈલેન્દ્ર સિંહ હોવાનું તુલિંજના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર ડૅનિયલ બેને જણાવ્યું હતું. શૈલેન્દ્ર સિંહને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે એ પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું એવું બેને જણાવ્યું હતું.

શૈલેન્દ્ર સિંહ કૅન્સરની બીમારીથી પીડાઈ રહ્યો હતો એવામાં ફડચામાં ગયેલી જેટ ઍરવેઝ કંપની બંધ પડી જવાને લીધે આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. આ જ કારણસર તેણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હોવાનું ડૅનિયલ બેને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

ડૅનિયલ બેને વધુમાં જણાવ્યું હતું કે ‘સિંહને કૅન્સર હોવાથી તેની કીમોથેરપીની સારવાર ચાલી રહી હતી. બીમારીના તોતિંગ ખર્ચને પહોંચી વળવાની તાકાત ન હોવાથી સિંહે આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું હતું. સિંહ જેટ ઍરવેઝમાં સિનિયર ટેક્નિશ્યન હતો અને તેનો દીકરો ઑપરેશન્સ વિભાગમાં કામ કરતો હતો.

આ પણ વાંચો : ઘાટકોપર અને મુંબઈમાં 100 ટકા મતદાન માટે ગુજરાતી યુવકે કસી કમર

કંપની બંધ પડી જવાને લીધે સિંહપરિવાર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. એ દરમ્યાન શૈલેન્દ્ર સિંહે કંટાળીને શુક્રવારે બપોરે તે રહેતો હતો એ બિલ્ડિંગના ચોથે માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ પ્રકરણે આત્મહત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દરમ્યાન જેટ ઍરવેઝ બંધ થયા બાદ કર્મચારીએ આત્મહત્યા કરી હોય એવી આ પ્રથમ ઘટના હોવાનું જેટના એક કર્મચારીએ જણાવ્યું હતું.

jet airways nalasopara mumbai mumbai news