ઈલેક્શનને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાનું પોપ્યુલિસ્ટ બજેટ

05 February, 2019 08:16 AM IST  |  મુંબઈ

ઈલેક્શનને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાનું પોપ્યુલિસ્ટ બજેટ

અજોય મેહતા

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉપોર્રેશન (BMC)નું ૨૦૧૯-’૨૦નું બજેટ કમિશનર અજોય મેહતાએ ગઈ કાલે રજૂ કર્યું હતું. આ વર્ષે BMCએ ૩૦,૬૧૨ કરોડ રૂપિયાનું બજેટ વિવિધ વિકાસનાં કામો માટે ફાળવ્યું છે. મહત્વની વાત અહીં એ છે કે લોકસભા આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ વર્ષે કોઈ પણ પ્રકારના ટૅક્સમાં વધારો કરાયો નથી અથવા નવા કર લાદવામાં આવ્યા નથી. બીજી તરફ કોસ્ટલ રોડ, ઠાકરે સ્મારક, રોડના ડેવલપમેન્ટ અને બ્રિજોના ડેવલપમેન્ટ સહિત અનેક નવા પ્રોજેક્ટ માટે નાણાંની ફાળવણી કરીને મુંબઈગરાને લોભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવી જ રીતે બેસ્ટના કર્મચારીઓને ધ્યાનમાં રાખીને તેમની કૉલોનીના સમારકામ અને બેસ્ટને આર્થિક મદદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગયા વર્ષે‍ આ માગણીઓ સાથે બેસ્ટના કર્મચારીઓ હડતાળ પર ગયા હતા.

ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર આબાસાહેબ જરાડ દ્વારા શિક્ષણસમિતિ અધ્યક્ષ મંગેશ સાતમકરને બજેટની નકલ આપવામાં આવી હતી. ત્યાર બાદ મહાનગરપાલિકાના કમિશનર અજોય મેહતાએ BMCનું મુખ્ય બજેટ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું.

BMC બનાવશે વિજ્ઞાન કુતૂહલ ભવન

એજ્યુકેશનના ૨૭૩૩ કરોડ રૂપિયાના બજેટમાં ડિજિટલ ક્લાસરૂમ, ઈ-લાઇબ્રેરી, ટિંકલ લૅબ, ભાષાસમૃદ્ધિ માટે પ્રયોગશાળા અને પ્લે-ગ્રાઉન્ડના નિર્માણ પર મુકાયો ભાર.

BMCના શિક્ષણવિભાગે ૨૭૩૩ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં વિજ્ઞાન કુતૂહલ ભવનની શરૂઆત કરવામાં આવવાની હોવાથી એના માટે કુલ ૧.૨૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ ભવન પૂર્વ અને પિમ ઉપનગરમાં રહેશે, જ્યારે BMCની ૧૩૦૦ સ્કૂલોના ક્લાસરૂમને ડિજિટલ કરવામાં આવશે. આ ઉપરાંત ક્લાસરૂમમાં ઈ-લાઇબ્રેરી, પ્લેગ્રાઉન્ડ ઉપરાંત વિવિધ યોજનાઓની જોગવાઈઓ બજેટમાં કરવામાં આવી છે.

BMCના ઍડિશનલ કમિશનર એ. એલ. જવ્હાડે ગઈ કાલે શિક્ષણ સમિતિના અધ્યક્ષ મંગેશ સાતમકર પાસે મહાનગરપાલિકાનું ૨૦૧૯-’૨૦નું શૈક્ષણિક બજેટ રજૂ કર્યું હતું. એમાં હાલ ૨૭૩૩ કરોડનું બજેટ રજૂ કરાયું હોવાથી ૧૬૪.૪૨ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે એજ્યુકેશન બજેટ ૨૫૬૧ કરોડ હતું.

વિદ્યાર્થીઓ માટે શું છે બજેટમાં?

આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કૂલો બનાવવા ૨.૬૦ કરોડ રૂપિયા

ભાષાકૌશલ્ય સમૃદ્ધિ માટે ૧.૩૦ કરોડના ખર્ચે પ્રયોગશાળા બનાવવામાં આવશે

ટિંકલ લૅબ માટે ૧.૪૨ કરોડ રૂપિયા

નાબેટ સંસ્થા દ્વારા સકારાત્મક દૃષ્ટિકોણ વધારીને નૈરાશ્ય દૂર કરવા સમુપદેશ સેવા માટે એક કરોડ રૂપિયા

પૂર્વ અને પિમ ઉપનગરમાં બે જગ્યાએ ૧.૨૦ કરોડના ખર્ચે બનશે વિજ્ઞાન કુતૂહલ ભવન

સ્કૂલ યુનિફૉર્મ, બૂટ, દફ્તર, નોટ-પેન વગેરે માટે ૧૯.૩૦ કરોડ રૂપિયા

રમતનાં સાધનો માટે બે કરોડ રૂપિયા

ઈ-લાઇબ્રેરી માટે ૧.૩૦ કરોડની જોગવાઈ

ડિજિટલ ક્લાસરૂમ માટે ૫.૩૩ કરોડ અને સેકન્ડરીના ક્લાસરૂમ માટે ૨.૯૧ કરોડ રૂપિયા

ટૉય લાઇબ્રેરી માટે ૭.૩૮ કરોડ રૂપિયા

મિની સાયન્સ સેન્ટર્સ માટે ૬૬ લાખ રૂપિયા

BMCની સ્કૂલોમાં રંગકામ માટે ૨૦૧.૭૩ કરોડ રૂપિયા

દિવ્યાંગ વિદ્યાર્થી પાલક ઉપસ્થિતિ ભથ્થા માટે ૩.૮ કરોડ રૂપિયા

વચ્યુર્અલ ક્લાસરૂમ માટે ૧૬.૯૨ કરોડ રૂપિયા

BMCના બજેટમાં મુંબઈગરા માટે શું છે?

તાનસા મેઇન વૉટરલાઇન પાસે સાઇક્લિસ્ટ માટે ૧૨૦ કરોડ રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવશે.

શિવાજી પાર્કમાં મેયરના નવા ઘર માટે એક કરોડ રૂપિયા

દેવનારમાં બાયોવેસ્ટમાંથી એનર્જી બનાવવા ૧૦૦ કરોડ રૂપિયા

મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ બંધ કરવા ૪૩ કરોડ રૂપિયા

રાણીબાગ પ્રાણી-સંગ્રહાલયનો વિસ્તાર વધારવા ૧૧૦ કરોડ રૂપિયા

શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરેના સ્મારક માટે પાંચ કરોડ રૂપિયા

મુંબઈના ડેવલપમેન્ટ પ્લાન ૨૦૧૪-૨૦૩૪ના અમલ માટે ૩૩૨૩ કરોડ રૂપિયા

ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પ્રોજેક્ટ માટે ૧૦૦ કરોડ રૂપિયા

રોડ ડેવલપમેન્ટ માટે ૧૫૨૦ કરોડ રૂપિયા

પૂલ ડેવલપમેન્ટ માટે ૬૦૦ કરોડ રૂપિયા

બેસ્ટની આર્થિક મદદ માટે ૩૪.૧૦ કરોડ રૂપિયા

બેસ્ટ કૉલોનીના ડેવલપમેન્ટ માટે ૧૦ કરોડ રૂપિયા

કોસ્ટલ રોડ યોજના માટે ૧૬૦૦ કરોડ

જલદી આપજો મંજૂરી : BMCના કમિશનર અજોય મેહતાએ ગઈ કાલે મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં ૨૦૧૯-’૨૦ના વર્ષનું બજેટ રજૂ કરતાં પહેલાં હાથ જોડીને બધા નગરસેવકોનું અભિવાદન કર્યું હતું.

brihanmumbai municipal corporation ajoy mehta Budget 2019 mumbai news