વાકોલા બ્રિજ બંધ તો થશે, પણ આખો નહીં

21 December, 2019 02:44 PM IST  |  Mumbai | Anurag Kamble

વાકોલા બ્રિજ બંધ તો થશે, પણ આખો નહીં

વાકોલા બ્રિજ (તસવીર- નિમેષ દવે)

અનેક ચર્ચાવિચારણાના અંતે મુંબઈ ટ્રાફિક પોલીસ વાકોલામાં હંસ ભુગરા માર્ગ પરનો બ્રિજ બંધ કરવા સજ્જ છે. સૂત્રોએ જણાવ્યા મુજબ પોલીસો કાલિનાથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે જતી બ્રિજની લેન બંધ કરીને ટ્રાફિકને નેહરુ રોડ અને બીકેસી તરફ વાળવા વિશે વિચારી રહ્યા છે. આખો બ્રિજ તો બંધ કરવામાં આવશે, પણ હાલમાં આખો બ્રિજ બંધ નહીં કરાય, એક જ લેન બંધ કરવામાં આવશે.

ટ્રાફિક-પોલીસે જણાવ્યા મુજબ બ્રિજનાં બે સેક્શન બે અલગ-અલગ સમયમાં બાંધવામાં આવ્યાં હતાં. હાલમાં જે લેન બંધ કરવાનું વિચારાઈ રહ્યું છે એ બ્રિટિશ કાળમાં બાંધવામાં આવી હતી, જ્યારે બીજી એમએમઆરડીએ દ્વારા બાંધવામાં આવી હતી. બ્રિટિશ કાળમાં બંધાયેલો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તાત્કાલિક તોડવો આવશ્યક છે. બ્રિજ બંધ કરાયા પછી તાત્કાલિક એ તોડી પાડવામાં આવશે. બ્રિજનો સર્વે કર્યા બાદ બીએમસીએ ચાલુ વર્ષના માર્ચ મહિનામાં જ બ્રિજ બંધ કરવાની જાહેરાત કરી હતી, પણ ટ્રાફિક અન્ય માર્ગે વાળવાના અનેક પ્રયાસ વિફળ થતા ગયા અને બ્રિજ બંધ કરવાની તારીખ પાછળ ઠેલાતી ગઈ.

કાલિનાના રહેવાસીઓ જણાવે છે કે હયાત હોટેલની પાછળનો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને કાલિનાને જોડતો વધુ એક બ્રિજ છેલ્લા ૬ મહિનાથી બંધ કરી દેવામાં આવ્યો હતો. ગયા વર્ષે અંધેરીનો બ્રિજ તૂટી પડ્યા બાદ આ બ્રિજને જોખમી જાહેર કરવામાં આવ્યો હતો. પાઇપલાઇન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના સમાંતર આ બ્રિજનો એક મોટા કનેક્ટર તરીકે ઉપયોગ થઈ શકે છે, પરંતુ એમએમઆરડીએ પાઇપલાઇનને સાચવવા માટે જર્જરિત બ્રિજની નીચે એક ડેક તૈયાર કરી રહી હોવાથી આ બ્રિજને પણ બ્લૉક કરવામાં આવ્યો છે.

એમએમઆરડીએના અધિકારીઓએ જણાવ્યા અનુસાર થોડા મહિનામાં કામ પૂરું થતાં જ બ્રિજને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવશે.

kalina vakola anurag kamble mumbai news