ભિવંડીમાં બાળકીના અપહરણનો પ્રયાસ

13 August, 2019 12:20 PM IST  |  મુંબઈ

ભિવંડીમાં બાળકીના અપહરણનો પ્રયાસ

સીસીટીવી કૅમેરાના ફુટેજમાં આરોપી બાળકીને ઉપાડી જવાની તૈયારી કરતો હોવાનું દેખાયું છે.

ભિવંડી શહેરમાં બાળકોના અપહરણની ઘટના વધી રહી છે. શહેરના જૈતનપુરા પરિસરમાં આવેલી એક ઇમારતના દાદરા પરથી ૯ વર્ષની એક બાળકીનું અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ચોંકાવનારી ઘટના રવિવારે બની હતી. આ બનાવ સોસાયટીના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ ગયો હતો. પોલીસે સીસીટીવી કૅમેરાની મદદથી અપહરણનો પ્રયાસ કરવાના આરોપસર ૩૦ વર્ષના યુવકની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી.

ભિવંડી પોલીસે આપેલી માહિતી અનુસાર પીડિત બાળકી બપોરે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી દુકાને પાંઉ લેવા ગઈ હતી. તે ઘરે પાછી જઈ રહી હતી ત્યારે એક યુવાને તેને પાછળથી પકડી લઈને તેનું મોઢું દબાવી દીધું હતું અને તેનું અપહરણ કરીને ભાગવાની તૈયારીમાં હતો, પણ એ સમયે એક મહિલાને સામેથી આવતી જોઈને યુવાન ગભરાઈ ગયો હતો અને બાળકીને પડતી મૂકીને નાસી ગયો હતો.

આ ઘટના બાદ બાળકી રડતાં-રડતાં ઘરે પહોંચી હતી. રડવાનું કારણ પૂછતાં તેણે બિલ્ડિંગના પગથિયા પાસે એક યુવકે તેનું મોઢું દબેવી દીધું હોવાનું કહ્યું હતું. તેનાં માતા-પિતાએ સોસાયટીના સીસીટીવી કૅમેરાના ફુટેજ જોતાં એક યુવાન તેનું અપહરણ કરી જવાની કોશિશ કરી રહ્યો હોવાનું દેખાયું હતું. જોકે યુવાન બાળકીનું અપહરણ કરી શક્યો નહોતો અને ત્યાંથી પલાયન થઈ ગયો હતો. બાળકીનાં માતા-પિતાએ ભિવંડી શહેર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા આરોપી સામે આઇપીસીની કલમ ૩૬૩, ૩૬૬, ૫૦૬, ૫૧૧ અને પોક્સો કાયદા હેઠળ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. 
સીસીટીવી કૅમેરામાં ઝડપાયેલા આરોપીના ફુટેજના આધારે પોલીસે ગણતરીના કલાકમાં યુવકની અપહરણ કરવાના આરોપસર ધરપકડ કરી હતી. તેણે શા માટે બાળકીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો અને બીજા કોઈ સાથીઓ તેની સાથે આવું કામ કરી રહ્યા છે કે કેમ એની તપાસ પોલીસ કરી રહી છે.

mumbai news bhiwandi Crime News