જાતીય સતામણીનો ભોગ બન્યા પછી ટેસ્ટ માટે રાહ જોવા છતાં ન થઈ ટેસ્ટ

12 July, 2019 08:14 AM IST  |  મુંબઈ

જાતીય સતામણીનો ભોગ બન્યા પછી ટેસ્ટ માટે રાહ જોવા છતાં ન થઈ ટેસ્ટ

પ્રતીકાત્મક તસવીર

મૉલદીવ્ઝમાં મમ્મીની સાથે રજાઓ માણવા ગયેલી સાત વર્ષની છોકરીની સ્થાનિક જેટ સ્કી રાઇડના ડ્રાઇવરે કરેલી જાતીય સતામણીના પુરાવા રૂપે મેડિકલ એક્ઝામિનેશન કરાવવામાં એ મા-દીકરીને સતામણીનો અનુભવ થઈ રહ્યો છે. સમયના અભાવે મૉલદીવ્ઝમાં દીકરીનું મેડિકલ એક્ઝામિનેશન કરાવી નહીં શકનારી મમ્મીએ મુંબઈમાં એ વિધિ કરાવવાનું નક્કી કર્યું હતું. એમની પાસે મૉલદીવ્ઝ પોલીસની ફરિયાદનો પત્ર હોવાથી એમણે લોકલ પોલીસને જાણ કરી નહોતી. આ સંજોગોમાં કૂપર હૉસ્પિટલમાં એમને ખૂબ પરેશાની થઈ હતી.

કૂપર હૉસ્પિટલના તંત્રે સરળતાથી કામગીરી પૂરી કરવાને બદલે મા-દીકરીને એકથી બીજા ડિપાર્ટમેન્ટ્સમાં દોડાવ્યાં હતાં. તે ઉપરાંત મહિલા પોલીસ કૉન્સ્ટેબલની હાજરી ન હોય તો મેડિકલ ટેસ્ટ કરવાનો ઇનકાર કર્યો હતો. ગયા સોમવારે ૩૫ વર્ષની ભૂતપૂર્વ સેલેબ્રિટી સ્ટાઇલિસ્ટને એની દીકરીના મેડિકલ ટેસ્ટ માટે આવો અનુભવ થયો હતો.

બાળકોને મદદ માટેની ચાઇલ્ડ લાઇનના ભૂતપૂર્વ વડા નિશિત કુમારે જણાવ્યું હતું કે ‘બાળકોના જાતીય શોષણ વિરોધી કાયદા અનુસાર કોઈપણ બાળક જાતીય શોષણની ફરિયાદ કરે ત્યારે એને હૉસ્પિટલમાં લઈ જવામાં આવે છે. કાયદેસર રીતે હૉસ્પિટલવાળા એનો મેડિકલ ટેસ્ટ કરવાનો ઇનકાર કરી ન શકે. લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરવાની હૉસ્પિટલની ફરજ છે. જો બાળકીની માતા હાજર હોય તો મહિલા પોલીસ કૉન્સ્ટેબલની હાજરીની અનિવાર્યતા કાયદામાં દર્શાવવામાં આવી નથી.’

ઍડ્વોકેટ વર્ષા દેશપાંડેએ જણાવ્યું હતું કે ‘જાતીય સતામણી બાળકની કરવામાં આવી હોય કે પુખ્ત વયની મહિલાની કરવામાં આવી હોય, એના મેડિકલ એક્ઝામિનેશનમાં પોલીસની હાજરી અનિવાર્ય નથી. મેડિકલ એક્ઝામિનેશન પ્રાઇવેટ હૉસ્પિટલમાં પણ કરાવી શકાય છે. ડૉક્ટરોએ ટેસ્ટ કરીને પછીથી અદાલતમાં સાક્ષી રૂપે હાજર રહેવાનું હોય છે.’

આ પણ વાંચો : વિઘ્નહર્તાને કરી રોડ-ચિંચપોકલીના બ્રિજનું વિઘ્ન નડશે

જાતીય સતામણીનો ભોગ બનેલી બાળકીના મેડિકલ એક્ઝામિનેશનમાં પરેશાનીની ફરિયાદ બાબતે કૂપર હૉસ્પિટલના નવા ડીન પિનાકિન ગુજ્જરે જણાવ્યું હતું કે ‘આ કેસમાં હું તપાસ કરીશ. હું હૉસ્પિટલના ગાયનૅકૉલૉજી ડિપાર્ટમેન્ટના ડૉક્ટરો સાથે વાત કરીશ. આ ગંભીર બાબત છે, એમાં ગફલત ચલાવી ન લેવાય.’

mumbai mumbai crime news mumbai news