ઘાટકોપરમાં એલબીએસ રોડ પર ડિમોલિશન

20 November, 2019 11:48 AM IST  |  Mumbai

ઘાટકોપરમાં એલબીએસ રોડ પર ડિમોલિશન

ઘાટકોપરમાં દુકાનોનો ગેરકાયદે ભાગ તોડી પડાયો હતો.

ઘાટકોપર (વેસ્ટ)માં લાલ બહાદુર શાસ્ત્રી (એલબીએસ) માર્ગને પહોળો કરવામાં અંતરાયરૂપ બનતી દુકાનો અને અન્ય સ્ટ્રક્ચર્સને તોડી પાડવાની કામગીરી ગઈ કાલે ફરી શરૂ કરવામાં આવી હતી. સવારથી જ પાલિકાના અધિકારીઓ પોલીસ-પ્રોટેક્શન સાથે જેસીબી મશીન લઈને પહોંચી ગયા હતા. આખો દિવસ ચાલેલી ડિમોલિશનની કાર્યવાહી અંતર્ગત ૬૨ જેટલાં સ્ટ્રક્ચર તોડી પડાયાં હતાં એમ મુંબઈ મહાનગરપાલિકાનાં અસિસ્ટન્ટ કમિશનર ભાગ્યશ્રી કાપસેએ જણાવ્યું હતું. 

ઘાટકોપરના એલબીએસ માર્ગ પર મહેન્દ્ર પાર્કથી લઈને રોડ નંબર-૧૭ સુધીનો વિસ્તાર નગરપાલિકાના ‘એન’ વૉર્ડની હદમાં આવે છે. એલબીએસ રોડ પર બૉટલ નૅક સર્જાતું હોવાથી ટ્રાફિક જૅમ થાય છે એને એને કારણે વાહનચાલકોએ ભારે હાડમારી વેઠવી પડતી હતી. એ સમસ્યાના નિરાકારણ માટે એલબીએસ માર્ગને પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પણ એના પર અનેક ગેરકાયદે સ્ટ્રક્ચર બની ગયાં હોવાથી એ પ્રશ્ન લંબાઈ રહ્યો હતો. પાલિકા દ્વારા આ બાબતે સમયાંતરે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતી હતી. ગેરકાયદે સ્ટ્રક્ચર અને દુકાનો તો તોડી જ પડાશે, પણ જેટલાં સ્ટ્રક્ચર્સ કાયદેસર હતાં એને પણ તોડી પાડવામાં આવશે અને આ કાયદેસરનાં સ્ટ્રક્ચરના માલિકોને ઘાટકોપર-ઈસ્ટમાં એસઆરએના નાલંદા પ્રોજેક્ટમાં વૈકલ્પિક જગ્યા ઑફર કરવામાં આવી છે.

આજની કાર્યવાહી વિશે વધુ માહિતી આપતાં ભાગ્યશ્રી કાપસેએ કહ્યું હતું કે મૂળ‍માં ત્યાં ૫૦૫ સ્ટ્રક્ચર્સ હતાં જેમાંથી ૨૫ ઘર અને ૧૬૮ દુકાનો કાયદેસરનાં હતાં. આ પહેલાંની કાર્યવાહીમાં ૧૨૦ સ્ટ્રક્ચર્સ તોડી પડાયાં હતાં, જ્યારે આજે બીજાં ૬૨ સ્ટ્રક્ચર્સ તોડી પડાયાં હતાં. આવતી કાલે ૨૦ અને પરમ દિવસે ૨૧મીએ પણ આ ડિમોલિશનની કાર્યવાહી ચાલુ રહેશે. આજની કાર્યવાહીમાં પાલિકાના ‘એન’ વૉર્ડના મેઇન્ટેનન્સ અને બિલ્ડિંગ ઍન્ડ ફૅક્ટરી વિભાગના ૩૦ કર્મચારીઓનો સ્ટાફ હાજર હતો. એ ઉપરાંત ૫૦ મજૂરો સાથે મળીને જેસીબીની મદદથી એ તોડકામ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમ્યાન કોઈ અપ્રિય ઘટના ન બને કે વિરોધ-પ્રદર્શન ન થાય એ માટે ૫૦ પોલીસ-કર્મચારીઓ પણ ઘટનાસ્થળે હાજર હતા.

mumbai mumbai news ghatkopar lbs marg