મુંબઈ: બે વર્ષે‍ હાથમાં આવ્યો ગુનેગાર રિક્ષા-ડ્રાઇવર

03 March, 2019 11:58 AM IST  | 

મુંબઈ: બે વર્ષે‍ હાથમાં આવ્યો ગુનેગાર રિક્ષા-ડ્રાઇવર

ગુનેગાર રિક્ષા-ડ્રાઇવર મહમદ રશીદ

બે વર્ષ પહેલાં મુંબઈમાં ફરવા આવેલા જૅપનીઝ ટૂરિસ્ટને ઘાટકોપર (વેસ્ટ)માં લૂંટવાના ઇરાદે અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે જપાની ટૂરિસ્ટની સમયસૂચકતાને લીધે તે રિક્ષામાંથી કૂદીને બચી ગયો હતો. અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આ રિક્ષા-ડ્રાઇવરને પકડવામાં પોલીસને બે વર્ષ પછી સફળતા મળી હતી.

આખો બનાવ એવો બન્યો હતો કે એપ્રિલ ૨૦૧૬માં એક જપાની સહેલાણીએ પવઈના હીરાનંદાનીથી ઘાટકોપર (વેસ્ટ)ના આરસિટી મૉલમાં જવા માટે રિક્ષા પકડી હતી. રિક્ષા વિક્રોલીના કૈલાસ કૉમ્પ્લેક્સ વિસ્તારમાં પહોંચી ત્યારે ૨૯ વર્ષના રિક્ષા-ડ્રાઇવર મહમદ રશીદ ઉર્ફે પાપડ ફારુક મુજાવરે જૅપનીઝ ટૂરિસ્ટ પાસે રહેલી રોકડ રકમ અને અન્ય વસ્તુઓ આપી દેવાની ગેરકાયદે માગણી કરી હતી. ટૂરિસ્ટે રિક્ષા-ડ્રાઇવરને કાંઈ પણ આપવાનો ઇનકાર કરતાં મહમદ રશીદે પહેલાં ટૂરિસ્ટને ધમકી આપી હતી. ત્યાર બાદ અપહરણ કરવાના ઇરાદે રિક્ષાને ભગાવી હતી. જૅપનીઝ ટૂરિસ્ટે સમયની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રિક્ષામાંથી કૂદકો મારી દીધો હતો.

આ પણ વાંચો : આતંકવાદી હુમલાની આશંકાએ વેસ્ટર્ન રેલવેએ સુરક્ષાબંદોબસ્ત વધાર્યો

આ બાબતની માહિતી આપતાં ઝોન-૭ના ક્રાઇમ બ્રાન્ચના અસિસ્ટન્ટ પોલીસ કમિશનર શેખર તોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોતાના બચાવ માટે રિક્ષામાંથી કૂદકો મારનાર જૅપનીઝે ત્યાર બાદ એક અજાણ્યા રિક્ષા-ડ્રાઇવર સામે વિક્રોલી પાર્ક સાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે અજાણ્યા રિક્ષા-ડ્રાઇવર સામે લૂંટનો ગુનો નોંધીને આ બાબતની તપાસ શરૂ કરી હતી. ત્યાર પછી અમને અમારા ખબરી તરફથી ઘાટકોપર (વેસ્ટ)ની પંખે શાહ બાબા દરગાહ પાસે રહેતા એક રિક્ષા-ડ્રાઇવર મહમદ રશીદ વિશે માહિતી આપી હતી જેના આધારે અમે તેના સુધી પહોંચ્યા હતા.’

mumbai news ghatkopar Crime News mumbai crime branch mumbai crime news