મુંબઈ: 6 વર્ષની સરખામણીમાં આજે રાત્રે સૌથી ઓછું તાપમાન નોંધાઈ શકે છે

09 February, 2019 10:58 AM IST  |  મુંબઈ

મુંબઈ: 6 વર્ષની સરખામણીમાં આજે રાત્રે સૌથી ઓછું તાપમાન નોંધાઈ શકે છે

મોસમનો મિજાજ - ઠંડા ઠંડા કૂલ કૂલ

છેલ્લાં છ વર્ષની સરખામણીમાં આજે રાત્રે સૌથી ઓછું તાપમાન નોંધાય એવી શક્યતાઓ મુંબઈના હવામાન ખાતાનાં સૂત્રો દ્વારા દર્શાવવામાં આવી છે. ગઈ કાલે લઘુતમ તામપાનનો પારો ૧૪.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો, જેમાં આજે સાંજ બાદ દોઢથી બે ડિગ્રી ઘટાડો થવાની શક્યતા છે. એટલે કે લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી પર પહોંચશે. ૨૦૧૩ના ફેબ્રુઆરીમાં લઘુતમ તાપમાન ૧૩.૨ ડિગ્રી નોંધાયું હતું. ત્યાર બાદ આજે એનાથી ઓછું તાપમાન રહેશે એવી શક્યતાઓ છે.

આ પણ વાંચો : મુંબઈ એરપોર્ટ પર 30 માર્ચ સુધી 1 રનવે રહેશે બંધ, 5000 ફ્લાઇટ્સને થશે અસર

ગયા અઠવાડિયામાં ગરમી પાછી આવી ગઈ હોય એમ લાગી રહ્યું હતું, પણ છેલ્લા બે દિવસથી શહેરમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. મુંબઈમાં પવનોની દિશા ઉત્તરથી વાયવ્ય તરફ જઈ રહી હોવાથી ગુરુવાર સાંજથી ઠંડા પવનોનો અનુભવ થઈ રહ્યો છે. લઘુતમ તાપમાનનો પારો ગગડતાં હવામાનમાં ૬.૫ અંશનો ઘટાડો થયો છે. ગઈ કાલે સાન્તાક્રુઝ ખાતે ૧૪.૪ ડિગ્રી સેલ્સિયસ અને કોલાબામાં ૧૭.૬ ડિગ્રી સેલ્સિયસ પર લઘુતમ તાપમાન પહોંચ્યું હતું, જ્યારે મહત્તમ તાપમાન સાન્તાક્રુઝ ખાતે ૨૭.૩ ડિગ્રી સેલ્સિયસ અને કોલાબામાં ૨૭.૬ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું, આગામી ૨૪ કલાક સુધી મુંબઈમાં ઠંડા પવનો ફૂંકાશે એવા સંકેતો હવામાન ખાતાએ આપ્યા હતા.

mumbai weather mumbai news