વિઘ્નહર્તાને કરી રોડ-ચિંચપોકલીના બ્રિજનું વિઘ્ન નડશે

11 July, 2019 09:53 AM IST  |  મુંબઈ | ચેતના યેરુણકર

વિઘ્નહર્તાને કરી રોડ-ચિંચપોકલીના બ્રિજનું વિઘ્ન નડશે

વિઘ્નહર્તાને કરી રોડ-ચિંચપોકલીના બ્રિજનું વિઘ્ન નડશે

૧૬ ટનથી વધારે વજન ધરાવતાં વાહનોને કરી રોડ અને ચિંચપોકલીના બ્રિજનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા બાબતે પુનર્વિચાર કરવાનો અનુરોધ મુંબઈના ગણેશોત્સવ મંડળોએ રાજ્ય સરકારને કર્યો છે. મધ્ય મુંબઈના બે મહત્ત્વના બ્રિજ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મૂકવાની વિચારણા મુંબઈ મહાનગરપાલિકા કરતી હોવાની માહિતી મળતાં શહેરના ગણેશોત્સવ મંડળોના હોદ્દેદારોએ દક્ષિણ મુંબઈના પાલક પ્રધાન સુભાષ દેસાઈને મળીને એ વિચારણા પડતી મૂકવાનો અનુરોધ કર્યો હતો.

ગયા વર્ષે લોઅર પરેલના બ્રિજના પુનર્બાંધકામને લીધે મધ્ય મુંબઈના ગણેશોત્સવ મંડળોને ઘણી તકલીફ પડી હતી. આ વખતે કરી રોડ અને ચિંચપોકલીના બ્રિજને કારણે મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે. એ બન્ને બ્રિજ પરથી ૧૬ ટનથી વધારે વજનનાં વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મુકાવાની શક્યતા છે. જોકે ગણેશોત્સવ મંડળોની અનુકૂળતા ધ્યાનમાં રાખીને વાહનોની ઊંચાઈ બાબતે નિયંત્રણો નહીં મૂકવાની બાંયધરી દક્ષિણ મુંબઈના પાલક પ્રધાન સુભાષ દેસાઈએ આપી હતી. ગણેશ મૂર્તિઓ એકથી દોઢ ટન કરતાં વધારે વજનની હોતી નથી, એ કારણે ૧૬ ટનથી વધારે વજનનાં વાહનોને એ બ્રિજ પરથી પસાર થવા પર પ્રતિબંધની ગણેશોત્સવ મંડળોને અસર થવાની શક્યતા જણાતી નથી. સુભાષ દેસાઈ સાથેની બેઠકમાં ગણેશોત્સવ મંડળોના પ્રતિનિધિઓ ઉપરાંત સંબંધિત સરકારી તંત્રોના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

ચિંચપોકલીના આર્થર રોડ બ્રિજ, કરી રોડ બ્રિજ અને ભાયખલા રોડ બ્રિજ (ગાર્ડન બ્રિજ)ની હાલત ખરાબ હોવાની આઇઆઇટી-મુંબઈના ઇન્સ્પેક્શન રિપોર્ટમાં નોંધ વિશે રેલવે તંત્રે મુંબઈ મહાનગરપાલિકા અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. એથી મહાનગરપાલિકા અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટે એ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર રોકવા માટે હાઈટ બૅરિયર્સ ગોઠવવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો : મુંબઈ વિભાગમાં પશ્ચિમી પવનની તીવ્રતા વધતાં વરસાદનું જોર વધશે

સંબંધિત બ્રિજ પર હાઈટ બૅરિયર્સ ગોઠવવાના નિર્ણયના અમલ પૂર્વે સ્થાનિક વિધાનસભ્યોએ વાંધો ઉઠાવતા એ નિર્ણયનો અમલ રોકવામાં આવ્યો હતો. જોકે સીએસએમટીના બ્રિજનો ભાગ તૂટી પડ્યા પછી અનેક બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

mumbai currey road mumbai news chetna yerunkar